Gujarat AnganWadi: ગુજરાત સરકારની આગવી પહેલ, આ ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યમાં નવી ૬૦૭ આંગણવાડી-નંદઘરનું કરાશે નિર્માણ

Gujarat AnganWadi: લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યમાં નવી ૬૦૭ આંગણવાડી-નંદઘરનું નિર્માણ કરાશે

by Akash Rajbhar
A unique initiative of the Gujarat government, 607 new Anganwadi-Nandghar will be constructed in the state using this technology
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી નિર્માણ કાર્યનો ડિજિટલ શુભારંભ કરાવ્યો નાણાંમંત્રીશ્રી – મહિલા બાળ કલ્યાણ મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિ
  • રાજ્ય સરકારના સાહસ GSPC તથા તેની ગ્રુપ કંપનીઓ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR અંતર્ગત આંગણવાડીઓનું અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ થશે
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @ ૨૦૪૭ના કરેલા નિર્ધારમાં વિકસિત ગુજરાતથી અગ્રીમ રહેનારી ભાવિ પેઢીનો મજબૂત પાયો નાખવાનું કામ આંગણવાડી કેન્દ્રો કરશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી

  •  બાળકને આંગણવાડીમાં નિયમિત આવવાની પ્રેરણા થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ બનાવીએ.
  • ભાવિ પેઢીના ઘડતરનું ઉમદા કર્તવ્ય પોઝિટિવ – સકારાત્મક અભિગમથી નિભાવીને સમાજહિતની મળેલી તક સાર્થક કરીએ. 
અદ્યતન-સુવિધાસભર-ગુણવત્તાયુક્ત આંગણવાડીઓના નિર્માણ માટે રાજ્ય સરકાર પૂરતું ભંડોળ આપવા તત્પર છે. 
Gujarat AnganWadi: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, અદ્યતન અને સુવિધા સભર  આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારત @ ૨૦૪૭ના નિર્ધારમાં વિકસિત ગુજરાતથી અગ્રેસર રહેનારી ભાવિ પેઢીનો મજબૂત પાયો છે. 
મુખ્યમંત્રીશ્રી રાજ્ય સરકારના સાહસ GSPC અને તેની ગ્રુપ કંપનીઝ દ્વારા CSR અંતર્ગત નિર્માણ થનારી ૬૦૭ આંગણવાડી કેન્દ્રો-નંદઘરના નિર્માણનો ઈ-શુભારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા. 
તેમણે આ નંદઘર- આંગણવાડી કેન્દ્રો નિર્માણનો ઈ-શુભારંભ નાણાં-ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મહિલા બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા તથા મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. 
મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે સંકલનમાં રહીને GSPC આ ૬૦૭ આંગણવાડી કેન્દ્રોનું લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ LGSF ટેકનોલોજીના ઉપયોગથી નિર્માણ કરવાની છે. 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આંગણવાડીને નંદઘર અને આંગણવાડી કાર્યકર બહેનોને માતા યશોદા કહી છે ત્યારે આંગણવાડીમાં આવતા બાળકના ઘડતરમાં યશોદા માતા જેવા કર્તવ્યભાવથી બહેનો સેવારત રહે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બાળકને આંગણવાડીમાં નિયમિત આવવાની પ્રેરણા થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ બનાવવું જોઈએ. 
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, દેશ આઝાદીની શતાબ્દી ૨૦૪૭મા મનાવતો હશે ત્યારે હાલ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો યુવા વયે પહોંચ્યા હશે. 
આ યુવાશક્તિમાં રાષ્ટ્રહિત ઉજાગર થાય તેવા સંસ્કાર બાળપણથી જ કેળવવાનું અને ભાવિ પેઢીના ઉમદા ઘડતરનું કર્તવ્ય પોઝિટિવ-સકારાત્મક અભિગમથી નિભાવીને સમાજહિતની મળેલી તકને સાર્થક કરવા અને નકારાત્મકતા દૂર કરવા તેમણે પ્રેરક આહવાન કર્યું હતું. 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે GSPCના આ સમાજ હિતકારી અભિગમની પ્રસંશા કરતાં એમ પણ કહ્યું કે, રાજ્ય સરકાર અદ્યતન અને સુવિધા સભર તથા ગુણવત્તાયુક્ત આંગણવાડીઓના નિર્માણ માટે પૂરતું ભંડોળ આપવા તત્પર છે.
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓનો ચિતાર રજૂ કરતાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ૫૩ હજાર જેટલી આંગણવાડી કાર્યરત છે, જેમાં ૪૫ લાખથી વધુ બાળકો, મહિલા તેમજ ધાત્રી મહિલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળી રહ્યું છે. ગુણવત્તાયુક્ત પોષણ અને શિક્ષણ આપી આપણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો નિર્માણ કરીશું.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળક દેશનું ભવિષ્ય છે અને તેના જીવન ઘડતરનો મજબૂત પાયો નાખવાનું કામ આંગણવાડી કેન્દ્રો કરે છે. બાળકોના ઘડતરમાં કોઈપણ પ્રકારની અસુવિધા ન રહે તે માટે રાજ્ય સરકાર નિરંતર પ્રયાસ કરી રહી છે. તેના પરિણામે આજે રાજ્યમાં LGSF જેવી અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી નવનિર્માણ થનારા નંદઘરોને ટકાઉ અને વધુ ગુણવત્તાયુક્ત બનાવવાની શુભ શરૂઆત થઈ છે. 
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ નંદઘરોના નિર્માણ માટે ભારત સરકાર દ્વારા મંજૂર કરાયેલી લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીની GSPC અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા લગભગ ૬ મહિનાના રિસર્ચ અને વિચાર-પરામર્શ બાદ પસંદગી કરવામાં આવી છે. આ અદ્યતન ટેકનોલોજીથી ભૂકંપ, ભેજ, આગ જેવી વિવિધ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી શકે તે પ્રકારના નંદઘરો માત્ર ૬૦ દિવસમાં જ બનાવી શકાય છે. 
રાજ્યના મુખ્ય સચિવ અને GSPCના ચેરમેન શ્રી રાજકુમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશનું ભવિષ્ય જ્યાંથી નિર્માણ પામે છે, તેવા આંગણવાડી કેન્દ્રો અને શાળાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં સસ્ટેઇનેબલ અને ઇકોફ્રેન્ડલી બનાવીને પાયાની તમામ સુવિધાઓથી સુસજ્જ કરવાની સરકારની નેમ છે.
રાજ્યના બાળકો અને મહિલાઓના હિતાર્થે નંદઘરોને અદ્યતન બનાવવા માટે આજે GSPC દ્વારા શુભ શરૂઆત થઈ છે. ગુજરાતની દરેક આંગણવાડી તમામ સુવિધાઓથી અદ્યતન ન થાય, ત્યાં સુધી દર વર્ષે CSR હેઠળ આંગણવાડી કેન્દ્રોને વિકસાવવાની GSPCની સંકલ્પબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. 
GSPCના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મિલિન્દ તોરવણેએ જૂના અને જર્જરિત આંગણવાડી કેન્દ્રોને નવીન ટેકનોલોજીના માધ્યમથી અદ્યતન નંદઘર બનાવવાના અને તેને તમામ સુવિધા-સગવડોથી સુસજ્જ કરવાના સંપૂર્ણ કાર્યની રૂપરેખા આ પ્રસંગે આપી હતી. 
આ કાર્યક્રમના પ્રારંભે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકરે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ICDS કમિશનર શ્રી રણજીત કુમાર સિંહે આભાર વિધિ કરી હતી.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના નિયામકશ્રી, GSPC તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને આમંત્રીતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More