News Continuous Bureau | Mumbai
Ahmedabad plane crash :
- સેવા માટે સીમાઓ ઓગળી: ચાર જિલ્લામાંથી ૧૪૦ ડૉક્ટરોની ટીમ વિમાન દુર્ઘટના મૃતકોના પોસ્ટ મોર્ટમ માટે દોડી આવી
- અનુભવનો નિચોડ અને સેવાનો મહાયજ્ઞ: ૫૦૦૦થી વધુ પોસ્ટમોર્ટમના અનુભવી તબીબોએ રાતભર મોરચો સંભાળ્યો– ૧૨ જૂન સાંજે ૪:૩૦ થી ૧૩ જૂન સવારે ૫:૦૦ સુધી અવિરત કામગીરી
- સમય સામે જંગ: સાડા બાર કલાકમાં મોટા ભાગના પોસ્ટ મોર્ટમ પૂર્ણ કરાયા
અમદાવાદમાં તાજેતરમાં થયેલી કરુણ વિમાન દુર્ઘટના બાદ, જ્યાં એક તરફ શોક અને ગમગીનીનો માહોલ હતો, ત્યાં બીજી તરફ સરકારી તબીબોની અસાધારણ કર્તવ્યનિષ્ઠા અને કાર્યદક્ષતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે.
આ પડકારજનક સંજોગોમાં, રાજ્યના આરોગ્ય વિભાગના ડૉક્ટરોની ટીમે ૧૨ જૂનની સાંજે ૪:૩૦ થી શરૂ કરીને ૧૩ જૂનની સવારે ૫:૦૦ સુધી એમ માત્ર ૧૨:૩૦ કલાકના ગાળામાં મોટી સંખ્યામાં પોસ્ટમોર્ટમની જટિલ પ્રક્રિયા પૂર્ણ કરીને માનવતા અને સેવા પરાયણતાનો એક નવો અધ્યાય લખ્યો છે.
આ ભગીરથ કામગીરી અંગે વિગતો આપતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત મેડિકલ ઓફિસર, ડૉ. મહેશ કાપડિયાએ જણાવ્યું હતું કે, “૧૨ તારીખે બનેલી દુર્ઘટના બાદ મૃતદેહોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અમારી ટીમે સાંજે ૪:૩૦ વાગ્યે પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી હતી, જે બીજા દિવસે સવારે ૫:૦૦ વાગ્યા સુધી અવિરતપણે ચાલી હતી. આ ૧૨:૩૦ કલાક દરમિયાન, અમે મોટાભાગના મૃતદેહોના પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યા અને તેમાંથી મોટાભાગના મૃતદેહના ડીએનએ સેમ્પલ પણ એકત્રિત કર્યા. માત્ર આઠ મૃતદેહો એવા હતા જેમાં ડીએનએ સેમ્પલની જરૂરિયાત ન હતી.”
આ અભૂતપૂર્વ કામગીરી કોઈ એક હોસ્પિટલની નહોતી, પરંતુ સમગ્ર રાજ્યના આરોગ્ય તંત્રના સંકલનનું પરિણામ હતું. આ કાર્ય માટે કુલ ૧૪૦ ડૉક્ટરોની વિશાળ ટીમ જોડાઈ હતી. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તેમજ ખેડા, આણંદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાંથી ડૉક્ટરો તાત્કાલિક અસરથી દોડી આવ્યા હતા. ગૌરવની વાત એ છે કે આ ૧૪૦ ડૉક્ટરોમાંથી મોટાભાગના સરેરાશ ૫,૦૦૦થી વધુ પોસ્ટમોર્ટમ કરવાનો બહોળો અનુભવ ધરાવતા હતા. તેમની સાથે ડેન્ટલ ઓફિસર અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે પણ ખભેખભો મિલાવીને કામ કર્યું.
આ સમાચાર પણ વાંચો : Indian Air Force:ભારતીય વાયુસેનાની વધશે તાકાત, પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મળશે આ ઘાતક હથિયાર; જાણો ખાસિયત..
પોતાની કારકિર્દીમાં ૧૮,૦૦૦થી વધુ પોસ્ટમોર્ટમ કરનાર ડૉ. મહેશ કાપડિયાએ ભાવુકતા સાથે જણાવ્યું, “મારા કાર્યકાળમાં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ હોય કે કોવિડ મહામારી, આપત્તિના સમયમાં ઝડપી પોસ્ટમોર્ટમ કરવાના અનેક પ્રસંગો આવ્યા છે. પરંતુ આ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ જે કર્તવ્ય પરાયણતા અને સંકલનથી અમારી ટીમે નિયત પ્રોટોકોલ અને ધારાધોરણો મુજબ કામગીરી પાર પાડી, તે સિવિલ હોસ્પિટલના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન અને નમૂનારૂપ કામગીરીમાંની એક છે.”
સરકારી તબીબોની આ અતૂટ નિષ્ઠા અને ખડે પગે રહીને ફરજ બજાવવાની ભાવનાને કારણે જ શોકાતુર પરિવારોને તેમના સ્વજનોના મૃતદેહ વહેલી તકે સોંપી શકાયા. આ ઘટના સરકારી આરોગ્ય તંત્રની મજબૂતાઈ અને કોઈપણ પડકારને પહોંચી વળવાની તેની ક્ષમતાને ઉજાગર કરે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.