ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
ગુરુવાર
તાઉતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રનાં જંગલોમાં ૧૮ સિંહ ગુમ થયાના અહેવાલ મીડિયામાં ફરતા થયા હતા. તે બાદ વન વિભાગે આ વિશે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે ગીર અને બૃહદ્ ગીરના તમામ સિંહ સલામત છે. આ વિસ્તારના એક પણ સિંહનું વાવાઝોડાને કારણે મૃત્યુ કે કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી.
આ બાબતે સ્પષ્ટતા કરતાં જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક ડી.ટી. વસાવડાએ પત્ર લખી માહિતી આપી હતી કે “વન વિભાગ દ્વારા સિંહની સલામતી માટે સતત કાળજી લેવામાં આવી રહી છે અને તેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સિંહની સુરક્ષા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.” તેમણે ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્રના માંગરોળથી લઈ મહુવા, તળાજા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહે પોતાનું રહેઠાણ બનાવ્યું છે અને અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ તથા ભાવનગર જેવા જિલ્લાઓમાં સિંહ વસે છે. વાવાઝોડાની ચેતવણી મળતાં જ દરિયાકાંઠે વસતા અને અન્ય તમામ સિંહની સલામતી માટે પગલાં લેવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે રાજુલા વિસ્તારના સિંહ દરિયાથી દૂર સલામત સ્થળે જાતે જ ખસી ગયા હોવાની વાત પણ ધ્યાનમાં આવી હોવાનું તેમણે પત્રમાં લખ્યું હતું.
Lions Missing Surashtra