News Continuous Bureau | Mumbai
- આ પ્રસંગે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પર આધારિત ફિલ્મ પણ રજૂ કરવામાં આવશે
- 298 કરોડના ખર્ચે બનેલ, આ ‘પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય’ પુરાતત્વીય પુરાવાઓ દ્વારા વડનગરના 2500 વર્ષથી વધુના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસને પ્રદર્શિત કરે છે
- આ ભારતનું પહેલું સંગ્રહાલય છે જ્યાં મુલાકાતીઓ પુરાતત્વીય સ્થળનો અનુભવ કરશે
- આ સંગ્રહાલયમાં 4,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું ખોદકામ સ્થળ છે, જ્યાં પુરાતત્વીય અવશેષો 12-16 મીટરની ઊંડાઈ સુધી જોઈ શકાય છે
- 33.50 કરોડના ખર્ચે બનેલ આ અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રમતવીરોને ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ પૂરી પાડશે
- શ્રી અમિત શાહ વડનગરમાં હેરિટેજ કોમ્પ્લેક્સ ડેવલપમેન્ટ સ્કીમ, શહેરી માર્ગ વિકાસ અને બ્યુટિફિકેશન કાર્યક્રમની અધ્યક્ષતા પણ કરશે
12500 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલું અને કુલ રૂ. 298 કરોડના પ્રોજેક્ટ ખર્ચે બનેલ, પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય ખોદકામ કરાયેલા પુરાતત્વીય પુરાવાઓ દ્વારા 2500 વર્ષથી વધુ સમયથી વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસ અને સતત માનવ વસવાટનું પ્રદર્શન કરે છે. આ ભારતમાં વિકસિત આ પ્રકારનું પ્રથમ સંગ્રહાલય છે, જ્યાં મુલાકાતીઓને પુરાતત્વીય સ્થળનો અનુભવ મળશે. આ સંગ્રહાલયમાં માટીકામ, શેલવર્ક (ઉત્પાદનો અને કાચો માલ), સિક્કા, ઝવેરાત, શસ્ત્રો અને સાધનો, શિલ્પો, રમતગમતનો સામાન અને ખાદ્યાન્ન, ડીએનએ અને હાડપિંજરના અવશેષો જેવી જૈવિક સામગ્રી સહિત 5,000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ સંગ્રહાલય, જેમાં નવ થીમેટિક ગેલેરીઓ છે, તે 4,000 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા ખોદકામ સ્થળને આવરી લે છે જ્યાં પુરાતત્વીય અવશેષો 12-16 મીટરની ઊંડાઈ સુધી જોઈ શકાય છે. આ ખોદકામ સ્થળ પર એક પ્રાયોગિક વોક-વે શેડ મુલાકાતીઓને ખોદકામમાંથી મળેલા પુરાતત્વીય અવશેષો પ્રદર્શિત કરશે.
આ સમાચાર પણ વાંચો: National Startups Day: મહારાષ્ટ્રમાં ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’ પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 1000 સ્ટાર્ટઅપ્સ સાથે “એમ્પાવરિંગ ઈનોવેશન” કાર્યક્રમનું કરશે ઉદ્ઘાટન
Amit Shah: વડનગર એ ભારતના પ્રાચીન જીવંત વારસાગત શહેરોમાંનું એક છે, જ્યાં 2,500 વર્ષથી વધુ સમયથી સતત માનવ વસવાટ જોવા મળ્યો છે. વડનગરને આનર્તપુર, આનંદપુર, ચમત્કારપુર, સ્કંદપુર અને નાગરકા જેવા અન્ય ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે. વડનગર તેની અનોખી સ્થાપત્ય અને ઐતિહાસિક સ્થળો માટે પ્રખ્યાત છે, જેમાં કીર્તિ તોરણ, હાટકેશ્વર મહાદેવ મંદિર અને શર્મિષ્ઠા તળાવ એક ખાસ સ્થાન ધરાવે છે. વડનગર, એક મુખ્ય વેપાર માર્ગ પર સ્થિત હોવાથી, હિન્દુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે કુલ 34235 ચોરસ મીટર વિસ્તારમાં રૂ. 33.50 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા અને વિકસાવવામાં આવેલા તાલુકા કક્ષાના રમતગમત સંકુલનું ઉદ્ઘાટન પણ કરશે. આ અત્યાધુનિક રમતગમત સંકુલ રાજ્ય સરકારની રમતગમતના માળખાને પ્રોત્સાહન આપવા અને તાલુકા સ્તરે રમતવીરોને ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે, જે પાયાના સ્તરે રમતગમતના વિકાસમાં મદદ કરશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, એસ્ટ્રો-ટર્ફ, ફૂટબોલ ગ્રાઉન્ડ તેમજ કબડ્ડી, વોલીબોલ અને ખો-ખો જેવી માટીની રમતો માટે કોર્ટ છે. આ સાથે, અહીં બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો અને જીમ માટે એક બહુહેતુક ઇન્ડોર હોલ પણ બનાવવામાં આવ્યો છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કેમ્પસમાં 200 બેડનું હોસ્ટેલ પણ બનાવવામાં આવ્યું છે, જેમાં છોકરાઓ માટે 100 બેડ અને છોકરીઓ માટે 100 બેડની સુવિધા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.