News Continuous Bureau | Mumbai
Antyeshti Sahay Yojana :
- રાજ્યના 12.42 લાખથી વધુ બાંધકામ શ્રમયોગીઓ માટે સંકટ સમયની સાંકળ છે અંત્યેષ્ટિ સહાય યોજના
- યોજના હેઠળ બાંધકામ શ્રમયોગીનું મૃત્યુ થવા પર તેના પરિવારજનોને ₹10 હજારની અંત્યેષ્ટિ સહાય આપવામાં આવે છે
મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત સૌથી વધુ જોખમનું કામ કરતા શ્રમિકો માટે, તેમના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારજનોને મદદરૂપ થવા માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2008માં ‘અંત્યેષ્ટિ સહાય યોજના’ શરૂ કરી હતી. આ યોજના હેઠળ લાભાર્થી પરિવારોને Rs 2000 ની આર્થિક સહાય આપવામાં આવતી હતી. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ સંવેદનશીલ યોજના હેઠળની આર્થિક સહાય વધારીને ₹10,000 કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અંત્યેષ્ટિ સહાય યોજના એક એવી યોજના છે કે જે સૌથી વધુ જોખમી મજૂરી કરતા બાંધકામ શ્રમયોગીઓની સહાય કરે છે. આ યોજનાનો ઉદ્દેશ મકાન અને અન્ય બાંધકામ શ્રમિકનું અચાનક મૃત્યુ થાય ત્યારે તેમના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવાનો છે. બાંધકામ શ્રમિકનું અચાનક મૃત્યુ થવા પર તેમના પરિવારજનોને આ યોજના હેઠળ ₹10,000ની સહાય આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 વર્ષોમાં 1307 શ્રમિક પરિવારોને ₹86.86 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
Antyeshti Sahay Yojana : શ્રમિકોના ‘અંત સમયે’ પણ પડખે રહે છે રાજ્ય સરકાર
અંત્યેષ્ટિ સહાય યોજનાના નામ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર લાખો બાંધકામ શ્રમિકોની પડખે ‘અંત સમયે’ પણ ઊભી રહે છે. અંત્યેષ્ટિ સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત કોઈ પણ શ્રમયોગીના મૃત્યુના કિસ્સામાં તેના પરિવારજનોને ₹10 હજારની સહાય આપે છે.
આ યોજનાનું સંચાલન ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા થાય છે. રાજ્ય સરકારના ઈ-નિર્માણ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિકોમાંથી 12 લાખ 42 હજાર 24થી વધુ શ્રમિકો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ સાથે જોડાયેલા છે. બોર્ડમાં નોંધાયેલા આ શ્રમિકો માટે અંત્યેષ્ટિ સહાય યોજના ઉપયોગી બની રહી છે.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad Plane Crash : લંડન માટે ઉડાન ભર્યા પછી તરત જ વિમાન બન્યું અકસ્માતનો ભોગ ; ઘટનાસ્થળ પરથી સામે આવ્યા ભયાનક દ્રશ્ય; જુઓ વિડીયો
Antyeshti Sahay Yojana : છેલ્લા 10 વર્ષમાં 1307 શ્રમયોગી પરિવારોને ચૂકવવામાં આવી ₹86.86 લાખની સહાય
બોર્ડમાં તેમજ ઈ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલા 18થી 60 વર્ષની વયજૂથના કોઈપણ બાંધકામ શ્રમિકનું ચાલુ મેમ્બરશીપ દરમ્યાન મૃત્યુ થાય, ત્યારે મૃતકના પરિજનોને આ યોજના હેઠળ ₹10 હજારની સહાય ચુકવવામાં આવે છે. શ્રમિકના મૃત્યુ પછી છ માસની અંદર તેના વારસદારે sanman.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવાની રહે છે. બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વર્ષ 2015-16થી 2024-25 સુધી એટલે કે છેલ્લા 10 વર્ષમાં મૃતક શ્રમયોગીઓના પરિવારજનોને ₹86.86 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
Antyeshti Sahay Yojana : યોજના હેઠળની સહાય રાશિમાં ઉત્તરોત્તર વધારો
રાજ્ય સરકારે વર્ષ 2008માં જ્યારે અંત્યેષ્ટિ સહાય યોજના લાગુ કરી, ત્યારે યોજના હેઠળની સહાય ₹2000 હતી. 2015-16માં અંત્યેષ્ટિ સહાય યોજના હેઠળ સહાયની રકમ ₹5000 કરવામાં આવી હતી. ત્યારબાદ, મે 2020થી આ સહાય રાશિ વધારીને ₹7000 અને એપ્રિલ 2022માં વધારીને ₹10,000 કરવામાં આવી. આમ, રાજ્ય સરકારે બાંધકામ શ્રમિકો માટેની અંત્યેષ્ટિ સહાય યોજનાની રકમમાં સતત વધારો કર્યો છે. સહાયની રકમમાં વધારાને કારણે છેલ્લા 5 વર્ષોમાં લાભાર્થી પરિવારોને મળનારી આર્થિક સહાયમાં વધારો થયો છે. આંકડાની દ્રષ્ટિએ જોઇએ તો, 2015-16થી 2019-20 સુધીના શરૂઆતના પાંચ વર્ષોમાં લાભાર્થી પરિવારોને મળનારી સહાયરાશિ માત્ર ₹30.22 લાખ હતી, જેની સામે 2020-21થી 2024-25માં મૃતક શ્રમયોગીના પરિવારોને અંત્યેષ્ટિ સહાય યોજના હેઠળ ₹56.64 લાખની સહાય ચૂકવવામાં આવી છે.