ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
મહાવિકાસ આઘાડી (MVA) સરકારના ત્રણે પક્ષોએ સોમવારે જાહેર કરેલા મહારાષ્ટ્ર બંધને કારણે મુંબઈ સહિત રાજ્યમાં દુકાનો બંધ કરાવવામાં આવી હતી. બંધને પગલે વેપારીઓને ભારે નુકસાન થયું હતું, ત્યારે વેપારીઓને થયેલા આ નુકસાનની ભરપાઈ આ ત્રણે પક્ષો પાસેથી કરાવવાની માગણી ભાજપના કાંદિવલીના ધારાસભ્ય અતુલ ભાતખળકરે કરી છે. આ માગણી સાથે તેઓ કોર્ટમાં જવાના છે.
અતુલ ભાતખળકરના જણાવ્યા મુજબ સોમવારના જાહેર કરવામાં આવેલો મહારાષ્ટ્ર બંધ ગેરકાયદે હતો. કોરોનાને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનમાં મહિનાઓ સુધી દુકાનો બંધ રહી હતી. હવે અનલૉક બાદ અર્થતંત્રની ગાડી ધીમે ધીમે પાટે ચઢી છે. એમાં શિવસૈનિકોએ જબરદસ્તીથી મુંબઈ સહિત રાજ્યમાં દુકાનો બંધ કરાવી હતી. આ એક દિવસના બંધને કારણે વેપાર-ધંધાને મોટુ નુકસાન થયું છે.
તહેવારોની મોસમ છે અને ખરીદદારી માંડ ઊપડી છે, ત્યારે ગેરકાયદે રીતે બંધ જાહેર કરીને વેપારીઓની સાથે રાજ્યના અર્થતંત્રને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. વેપારીઓને થયેલા નુકસાનની ભરપાઈ મહાવિકાસ આઘાડીની સરકારે કરવી જોઈએ. આ માગણી તેઓ કોર્ટમાં કરવાના હોવાનું અતુલ ભાતખળકરે કહ્યું હતું.