News Continuous Bureau | Mumbai
Ayushman Card :
સરકારની આરોગ્યલક્ષી યોજના અમારા જેવા મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની છેઃ
આયુષ્યમાન કાર્ડ માત્ર એક સામાન્ય કાર્ડ નથી, મારા જેવા લાખો લોકો માટે આશાનું કિરણ છે:
:લાભાર્થી પ્રકાશચંદ્ર ભાવસાર
ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ‘ PM જનઆરોગ્ય યોજના’ અમલી છે, જેમાં ગંભીર બીમારી, ઓપરેશન માટે સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે. આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે તારણહાર સાબિત થઈ છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સચીન પાસે આવેલા કનકપુરના વયોવૃદ્ધ ૭૩ વર્ષીય પ્રકાશચંદ્ર ચુનીલાલ ભાવસારની નિ:શુલ્ક બાયપાસ સર્જરી ‘આયુષ્માન કાર્ડ’થી થઈ છે. ભાવસાર પરિવાર પર આર્થિક ભારણ ન પડતા તેમને મોટી રાહત થઈ છે.
‘સરકારે અમને સહાય કરી ન હોત તો મુશ્કેલીનો પાર ન હોત’ આ શબ્દો સાથે પ્રકાશચંદ્ર ભાવસાર જણાવે છે કે, કોરોના કાળ દરમિયાન જ્યારે સમગ્ર વિશ્વ દહેશતમાં ડૂબી ગયું હતું, મારા જેવા સામાન્ય નાગરિકો માટે દિવસ પસાર કરવો મુશ્કેલ બન્યો હતો. બજારો બંધ, રોજગારી બંધ થતા હ્રદયમાં સતત ભય હતો. એ જ સમયમાં મારી તબિયત ખરાબ થઈ અને ડોક્ટરોએ કહ્યું કે, તરત બાયપાસ સર્જરી કરાવવી જરૂરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મનમાં મૂંઝવણ પણ હતી. એવી સ્થિતિમાં મને ‘આયુષ્યમાન કાર્ડ’ યાદ આવ્યું. આ યોજનામાં મને નિ:શુલ્ક સારવાર ઓપરેશન થઈ શકે છે એનો મને ખ્યાલ આવ્યો એટલે સુરતના પીપલોદ સ્થિત સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ થયો જ્યાં એપ્રિલ-૨૦૨૦ PM-JAY યોજના હેઠળ બાયપાસ સર્જરી નિ:શુલ્ક થઈ.
ચાર દિવસ આઈસીયુમાં અને ચાર દિવસ જનરલમાં એમ કુલ આઠ દિવસ હોસ્પિટલમાં સારવાર અને ચાર બ્લોકની બાયપાસ સર્જરી બાદ રજા અપાઈ અને ઘરે જવા માટે ભાડું પણ આપવામાં આવ્યું હતું. આજે ૫ વર્ષ પછી પણ એકદમ સ્વસ્થ છું. કોઈ પરેશાની નથી. યોગ્ય સમયે સરકારની સહાયથી જીવ તો બચ્યો પણ આર્થિક બોજ પણ ન પડ્યો. એટલે જ આયુષ્યમાન કાર્ડ માત્ર એક માત્ર સામાન્ય કાર્ડ નથી, મારા જેવા લાખો લોકો માટે આશાનું કિરણ છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Terror Attack in Pahalgam: હમાસના સ્ટાઈલમાં આતંકી હુમલો, POKમાં પ્રવેશનો ખુલાસો
વધુમાં તેમણે કહ્યું કે, “આજના સમયમાં જ્યારે આરોગ્ય સેવા ખર્ચાળ બની છે, ત્યારે PM-JAY જેવી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે સંજીવની છે. આવી યોજનાઓ માત્ર સારવાર પૂરતી નથી, પણ જીવન જીવવા માટે ઓક્સિજન આપે છે. હું દર્દી નથી, પણ સરકારના માનવીય સંવેદનાનો સાક્ષી છું. સરકારનો આભાર માનું છું કે તેણે મારા જેવા હજારો પરિવારને નવું જીવન આપ્યું છે. સૌ નાગરિકોને અનુરોધ છે કે સરકારી યોજનાઓથી અજાણ ન રહો, જાગૃતિ ફેલાવો, અને જરૂર પડે ત્યારે મદદરૂપ બનો.”
અંતે તેમણે કહ્યુ કે, હમણાં આયુષ્યમાન કાર્ડની સમય મર્યાદા પુર્ણ થવા આવી છે, ત્યારે મને સરકારની વંયવદના યોજના હેઠળ ઘરબેઠા આરોગ્ય વિભાગ દ્વારા વંયવદના કાર્ડ પણ મળ્યું છે. હવે દવા, સારવાર અને ઓપરેશન પછીના ખર્ચ માટે પણ મને ચિંતા નથી રહી. ‘આયુષ્યમાન કાર્ડ’એ જીવ બચાવ્યો અને ‘વંયવદના કાર્ડ’ હવે સ્વાસ્થ્ય માટે એક મોટો સહારો બનશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.