ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 સપ્ટેમ્બર 2020
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીનો મોટો જથ્થો નર્મદા નદીમાં આવતા 20 દિવસમાં જ ત્રીજીવાર નદીમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 28.40 ફૂટે પહોંચી ગઈ છે. હાલ ભરૂચ પાસે નર્મદા નદી તેની ભયજનક સપાટી 25 ફૂટથી 4 ફૂટ ઉપર વહી રહી છે. જેને કારણે નદી કાંઠાના 20 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
નર્મદા નદીએ ભયજનક સપાટી ક્રોસ કરતા ભરૂચ સિટી, અંકલેશ્વર અને ઝઘડિયાના 20 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. આ એલર્ટને પગલે તંત્ર સ્ટેન્ડબાય પરિસ્થિતિમાં આવી ગયું છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમમાંથી 2.35 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમની સપાટી ફરી વધી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પ્રતિ સેકંડે 49.22 લાખ લિટર (1.75 લાખ ક્યુસેક) પાણી નર્મદા નદીમાં ઠલવાય છે. નર્મદા ડેમના બુધવારે 23 દરવાજા ખોલી 4 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેવાં સમયે સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા ચાર જિલ્લાના 52 ગામોને એલર્ટ કરી દેવાયા છે. કિનારાના ઝૂંપડાવાસીઓને ખસેડવાની કવાયત થઈ રહી છે. આમ તો નદીની સપાટી 28 ફૂટે પહોંચે ત્યારે જ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી પ્રવેશે. હાલના તબક્કે શહેરમાં કોઇ ચિંતાજનક બાબત નથી, એમ પ્રશાસને જણાવ્યું છે..