ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે ૨૦૨૧
મંગળવાર
કોરોના અને તાઉતે વાવાઝોડાની આફત વચ્ચે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યમાં પરિવહન સેવા સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે કર્યો છે. આ નિર્ણયને પગલે એસટી બસસેવા સમગ્ર રાજ્યમાં બંધ રહેશે અને જ્યાં સુધી વાવાઝોડું ફંટાય નહીં જાય ત્યાં સુધી આ નિર્ણય અમલમાં રહેશે. વાવાઝોડામાં રાહતકાર્ય માટે એસટી બસ ફાળવવામાં આવી છે.
વાવાઝોડાની અસરને કારણે બનાસકાંઠા જિલ્લામાં તમામ બસ રૂટ આજે બપોરથી બંધ કરી દેવામાં આવ્યા હતા. જિલ્લાના ૧૪ તાલુકાઓમાં ૬૫૦થી પણ વધુ રૂટની બસો સ્થગિત કરવામાં આવી છે. અચાનક બસો બંધ થઈ જતાં અનેક મુસાફરો અટવાઈ પડ્યા હતા. હિંમતનગરમાં પણ ૫૧૫ બસ સેવા રદ થઈ હતી. રાજ્યમાં એસટી બસ બંધ થઈ જતાં હવે પ્રવાસીઓએ મોટી હાલાકીનો સામનો કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે અમરેલી, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, મહુવા જેવા જિલ્લાઓ વાવાઝોડાના કારણે સૌથી વધુ પ્રભાવિત થયા હતા. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં જોરદાર પવન સાથે આઠ ઈંચ વરસાદ પડ્યો હતો.