ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોની મદદ કરવા માટે ભાજપે હાથ આગળ વધાર્યો છે. ભાજપના તમામ નગરસેવકોએ નિર્ણય કર્યો છે કે તેઓ પોતાનો એક મહિનાનો પગાર પૂરગ્રસ્ત વિસ્તારમાં આપશે. આ અંગે ભારતીય જનતા પક્ષના નેતા પ્રભાકર શિંદેએ માહિતી આપી હતી અને કહ્યું હતું કે આ અંગે મેયર અને મહાપાલિકાના સેક્રેટરીને એક લેખિત પત્ર મોકલવામાં આવ્યો છે.
રાજ્યમાં ભારે વરસાદને કારણે ઘણાં સ્થળોએ મોટું નુકસાન થયું છે. એમાં મોટી જાનહાનિ અને માલહાનિ થઈ હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રમાં, કોકણ, વિદર્ભ, અમરાવતી, સાંગલીમાં જેવા જિલ્લાઓમાં વરસાદનું પાણી કેટલાક દિવસો સુધી લોકોનાં ઘરોમાં ઘૂસી જતાં લોકોને ભારે નુકસાન થયું છે. આવી પરિસ્થિતિમાં લોકોને આર્થિક મદદની ખૂબ જરૂર હોય છે. એથી ભાજપે આ પગલું ભર્યું હોવાનું ભાજપના નેતા પ્રભાકર શિંદેએ મીડિયાને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે જ્યારે આ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા, ત્યારે એક મહિલાએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે સંસદસભ્યો અને ધારાસભ્યોનો પગાર આ વિસ્તારના રાહત અને પુનર્વસનના કાર્ય માટે વાપરવામાં આવે. ત્યાર બાદ ભાજપે આ દિશામાં મદદનો હાથ આગળ વધાર્યો છે.