ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર 2021
બુધવાર.
વિધાનસભાના વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે આજે મનસે અધ્યક્ષ રાજ ઠાકરેને ધરે જઈને મુલાકાત લીધી હતી. ફડણવીસ અને રાજ ઠાકરેની વચ્ચેની આ મુલાકાતે જોકે ફરી એક વખત મનસે અને ભાજપ વચ્ચે યુતી થવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
આ પહેલા મહારાષ્ટ્રના ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને રાજ ઠાકરેની મુલાકાત બાદ પણ આવી ચર્ચાએ જોર પકડ્યું હતું. અમુક મુદ્દાઓ પર એકમત નહીં થઈ શકતા બંને પક્ષ વચ્ચે યુતિ થતા થતા રહી ગઈ હોવાનું કહેવાય છે. હવે જોકે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી છે ત્યારે ફરી બંને પક્ષ વચ્ચે યુતિ થવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમાં આજે દેવેન્દ્ર ફડણવીસે સહપત્ની રાજ ઠાકરેના ઘરે જઈને તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ બંને પક્ષ તરફથી આ મુલાકાતને એક પારિવારિક મુલાકાત ગણવવામા આવી રહી છે.
બંને પક્ષ તરફથી ભલે તેને કૌટુંબિક મુલાકાત કહેવામાં આવી રહી હોય. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ હકીકતમાં આ બેઠકમાં યુતિ કરવાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા દિવાળી માં ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે પણ રાજ ઠાકરેની મુલાકાત લીધી હતી. તે અગાઉ નાશિકમાં ચંદ્રકાંત પાટીલે રાજ ઠાકરેની મુલાકાત લીધી હતી. છેલ્લા બે-ત્રણ મહિનામા મનસે-ભાજપ વચ્ચે યુતિ ની ચર્ચાએ જબરદસ્ત જોર પકડયું હતું.
2019માં શિવસેના અને ભાજપ વચ્ચેની યુતિ તૂટી ગઈ હતી. શિવસેના સાથે છેડો ફાડ્યા બાદ ભાજપ નવા પક્ષ સાથે યુતિ કરવા ઉત્સુક છે. તેથી ભાજપ અને મનસે વચ્ચે યુતિ થઈ શકે એવી ચર્ચા છે. આ યુતિ નો પહેલો પ્રયોગ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં થવાની શક્યતા છે.