News Continuous Bureau | Mumbai
- ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રોનું લોકેશન મેળવી શકશે
- ધો.૧૦ ના ૯૧,૮૩૦, ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)ના ૪૫,૭૨૦ તથા ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના ૧૫,૭૪૦ મળી કુલ ૧,૫૩,૨૯૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે
Board Exams: આગામી તા.૨૭મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. બોર્ડ પરીક્ષાને ધ્યાને લઈ ટ્રાફિક સંચાલન, યોગ્ય આયોજન, પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સહિત તમામ પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર ડૉ.સૌરભ પારધીએ વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા તેમજ શહેર-જિલ્લામાં ટ્રાફિકના સંજોગોમાં બાળકો નિયત સમયે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવા પોલીસ તંત્રને જણાવ્યુ હતું. જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે પરીક્ષાની પૂર્વતૈયારીના ભાગરૂપે કરાયેલા સુવ્યવસ્થિત આયોજનની વિગતો આપતા જણાવ્યું કે, બોર્ડની પરીક્ષા લેવા માટે તંત્ર દ્વારા ફૂલપ્રૂફ આયોજન છે. ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રોનું લોકેશન મેળવી શકશે. તમામ કેન્દ્રોના લોકેશનનો ક્યુઆર કોડ જનરેટ કરી વિદ્યાર્થીઓને આપવામાં આવશે તેમજ તમામ શાળાઓના નોટીસબોર્ડ પર લગાવવામાં આવશે. પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારની પૂછપરછ અને મદદ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કાર્યરત કંટ્રોલરૂમનો ફોન નં.૦૨૬૧-૨૬૬૨૯૦૨ ઉપર સંપર્ક કરી શકાશે.
આ સમાચાર પણ વાંચો: Price Support Scheme: સરકાર PSS હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે, આ તારીખ સુધી કરવામાં આવશે ઓનલાઇન નોંધણી
Board Exams: નોંધનીય છે કે, સુરત શહેર-જિલ્લામાં ધો.૧૦ ના ૯૧,૮૩૦, ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)ના ૪૫,૭૨૦ તથા ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના ૧૫,૭૪૦ મળી કુલ ૧,૫૩,૨૯૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ૧૪ ઝોનમાં ૮૫ પરીક્ષા કેન્દ્રો, ૫૨૪ બિલ્ડીંગો, ૫૩૭૨ બ્લોકમાં પરીક્ષા યોજાશે. તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની બાજ નજર રહેશે. SSC પરીક્ષાનો સમય સવારે ૧૦.૩૦ થી ૧.૧૫ અને HSC નો સમય બપોરે ૩.૦૦ થી ૬.૧૫ રહેશે. બેઠકમાં કલેક્ટરશ્રીના હસ્તે ‘પરીક્ષાસાથી સાથે પરીક્ષા પે ચર્ચા’ બુકલેટનું લોન્ચિંગ કરાયું હતું. બેઠકમાં શિક્ષણ નિરીક્ષક ડો.સંગીતાબેન મિસ્ત્રી, વિવિધ વિભાગોના અધિકારીઓ તેજલબેન રાવ, હિમાંશુભાઈ બારોટ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed