News Continuous Bureau | Mumbai
Coaching Assistance Scheme :
• NEET, JEE, GUJCET સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે રૂ. ૨૦ હજારની સહાય DBT મારફતે ચૂકવાય છે
• તાલીમ સહાય યોજના અંતર્ગત લાભ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ esamaj.kalyan.gujarat.gov.in પર રજિસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરવાની હોય છે
ગુજરાત સરકારે ‘સૌ ભણે, સૌ આગળ વધે’ ના સૂત્રને સાકાર કરવા માટે વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. આ સૂત્રનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના દરેક વર્ગના વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત થાય અને તેઓ પોતાના સપનાને સાકાર કરી દેશ અને દુનિયામાં પોતાનું અને પરિવારનું નામ રોશન કરી શકે તેવો છે.
રાજ્યના છેવાડાના દરેક વર્ગના નાગરિકને યોગ્ય શિક્ષણ મળી રહે તેની દરકાર ગુજરાત સરકાર કરી રહી છે. અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિના વિદ્યાર્થીઓને NEET, JEE, GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ‘કોચિંગ સહાય યોજના’ હેઠળ અમલી બનાવાઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિના ૯,૨૨૯ વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત વિકસતી જાતિના ૮,૭૯૪ તથા અનુસૂચિત જાતિના ૪૩૫ વિદ્યાર્થીઓને NEET, JEE, GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પુર્વ તૈયારી માટે સહાય આપવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિના વિદ્યાર્થીઓને NEET, JEE, GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પુર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજનામાં રૂ. ૨૦ હજારની સહાય DBT મારફતે વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામા આવે છે. આ યોજના દ્વારા અનુસુચિત જાતિ તથા વિકસતી જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી કોચિંગ ઉપલબ્ધ થાય છે. વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં અનુસૂચિત જાતિ પ્રભાગ હેઠળ ત્રણસો વિદ્યાર્થીઓ માટે રૂ. ૬૦ લાખ તથા વિકસતી જાતિના ત્રણ હજાર વિદ્યાર્થીઓ માટે રૂ. છ કરોડની બજેટની જોગવાઈ કરવામાં આવી છે.
NEET, JEE, GUJCETની પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના અંતર્ગત લાભ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ esamaj.kalyan.gujarat.gov.in પર રજિસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરવાની રહે છે. NEET, JEE, GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓને ફક્ત એક જ વાર મળવાપાત્ર છે.
લાભ મેળવવા ઈચ્છુક અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિના વિદ્યાર્થીએ ધોરણ ૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતા હોવા જરૂરી છે. આ યોજના હેઠળ વિકસતી જાતિના વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદા રૂ. છ લાખ રાખવામાં આવી છે.
આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ અરજી સાથે જાતિ પ્રમાણપત્રની નકલ, ધોરણ ૧૦ની માર્કશીટની નકલ, વિદ્યાર્થી હાલ જે શાળામાં ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતા હોય તે અંગે શાળાનું બોનાફાઇડ પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આધારકાર્ડની નકલ, વિદ્યાર્થીના બેંકની વિગતો તથા જે તે સંસ્થામાં ફી ભર્યાની પાવતીની નકલ સાથે અપલોડ કરવાની રહેશે.
આ યોજના અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિના વિદ્યાર્થીઓને તેમના સપનાની કારકિર્દી તરફ આગળ વધવા માટે મહત્વપૂર્ણ સહારો પૂરું પાડે છે. પાત્રતા ધરાવતા ઈચ્છુક વિદ્યાર્થીઓએ આ તકનો લાભ લઈને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવું જોઈએ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.