ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
2 જુન 2020
કોરોનાના કહેર વચ્ચે ગુજરાત માટે હવે રાહતના સમાચાર છે કે નિસર્ગ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. હવે આ વાવાઝોડું મહારાષ્ટ્ર ના કાંઠા વિસ્તારમાં ટકરાશે. સુરતથી 900 કિમી દુર અરબ સાગરમાં ઉદભવેલી ડિપ્રેશન સિસ્ટમ આગામી 24 કલાકમાં સાઇક્લોન સ્ટ્રોમ તરીકે વિકસિત થવાની સંભાવના છે અને વાવઝોડું 2 જુનની રાત્રે દમણ અને મહારાષ્ટ્રના હરિહરેશ્વર રાયગઢ વચ્ચેથી પસાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અસર દક્ષિણ ગુજરાત પર રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતી કાલે ત્રીજી જૂનના રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના હરીહરેશ્વર અને દમણ વચ્ચેથી આ વાવાઝોડું પસાર થશે. એટલે કે આ ચક્રવાત અલીબાગ અને મુંબઇના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે. ચક્રવાત ડોમ્બિવલી થઈને ધુલે તરફ આગળ વધી શકે છે. ચક્રવાત બુધવારે સવારે 5.30 થી સાંજના 5.30 ની વચ્ચે અલીબાગમાં નાગાઉ બીચ પર અથડાતું જોવા મળે. કેમકે વાવાઝોડું પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને ખૂબ મોટા ક્ષેત્રને આવરી રહ્યું છે. નવી મુંબઈ, મુંબઇ, ડોમ્બિવલી અને પરાનો સમાવેશ થાય છે. બની શકે આ દરિયાકાંઠેથી અંતર્દેશીય ભાગમાં પ્રવેશ કરે, તેથી અંદરના વિસ્તારોમાં પણ આની કાળજી લેવાની જરૂર છે. નાગરિકોને પણ સજાગ રહેવાની જરૂર છે.
જોકે ગુજરાતમાં આ વાવાઝોડાની કોઈ ખાસ અસર નહીં પડે પરંતુ તેની અસરને પગલે ત્રીજી જૂનના રોજ વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદ પડશે. ચોથી જૂનના રોજ પણ તાપી, ડાંગ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ ભાવનગર, અમરેલીના 50 ગામ સાથે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના 159 ગામોને એલર્ટ કરાયા છે. તો દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે યલો એલર્ટ છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ સુરતમાં એક NDRF અને SDRFની એક એક ટીમ સુરતમાં તૈનાત કરી દેવામાં આવી છે..