ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
ગુરુવાર
કોરોનાની ગંભીર પરિસ્થિતિને કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હવે રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગન્નાથ પણ કોરોનાને લીધે અવસાન થયું છે. તે ૧૯૮૦થી ૧૯૮૧ દરમિયાન રાજસ્થાનના મુખ્ય પ્રધાનપદ પર રહ્યા હતા. જગન્નાથ પહાડિયાના નિધનથી કૉન્ગ્રેસને મોટી ખોટ પડી છે. રાજ્ય સરકારે તેમના નિધન પર એક દિવસના શોકની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને વડા પ્રધાન મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.
અશોક ગેહલોતે ટ્વીટ કરીને લખ્યું હતું કે “રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગન્નાથ પહાડિયાના નિધનની ખબર દુ:ખદ છે. તેમણે મુખ્ય પ્રધાન, રાજ્યપાલ અને કેન્દ્રીય પ્રધાન તરીકે લાંબા સમય સુધી દેશની સેવા કરી હતી. તેઓ દેશના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા.”
વડા પ્રધાન મોદીએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની લાંબી રાજકીય અને વહીવટી કારકિર્દીને યાદ કરતાં ટ્વિટર પર લખ્યું હતું કે “રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન જગન્નાથ પહાડિયાજીના નિધનથી દુ:ખી છું. તેમની લાંબી રાજકીય અને વહીવટી કારકીર્દિમાં, તેમણે સામાજિક સશક્તીકરણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.”
ઉલ્લેખનીય છે કે ૮૯ વર્ષના જગન્નાથ પહાડિયા કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા હતા. પહાડિયા રાજસ્થાનના પ્રથમ દલિત મુખ્ય પ્રધાન હતા, ત્યાર બાદ તેમણે બિહાર અને હરિયાણાના રાજ્યપાલ તરીકે પણ કમાન સંભાળી હતી. તેમણે જ રાજસ્થાનમાં સંપૂર્ણ દારૂબંધી લાગુ કરી હતી.