News Continuous Bureau | Mumbai
Development Works Junagadh:
- મુખ્યમંત્રીશ્રીએ ૯૪ કરોડના વિકાસ કામનું ઇ- ખાતમુહૂર્ત અને ઇ- લોકાર્પણ તેમજ ૬૩૪ કરોડના માર્ગો નવીનીકરણ સહિતના નવા કામોની જાહેરાત કરી
- નવા વિકાસ કામો માટે જોઈએ એટલા નાણા મળશે: સ્થાનિક ટીમ સંકલન કરીને દરખાસ્ત મોકલે-મુખ્યમંત્રીશ્રી
વિસાવદરમાં રૂ.૫૫ કરોડના ખર્ચે નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનશે: ઉપરાંત રૂ. ૨૫૯ કરોડના ખર્ચે વિસાવદર તાલુકા માટે રોડના નવા કામો હાથ ધરાશે - વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ સાકાર કરવા જનહિતના નવ સંકલ્પને ચરિતાર્થ કરીએ
જળસંચયના કામોની સરકારને અગ્રતા: ધારાસભ્ય અપાતી ગ્રાન્ટ માંથી ૫૦ લાખ માત્ર જળસંચયના કામો માટે ખર્ચ કરવાની જોગવાઈથી સિંચાઈ યોજના મજબૂત બનશે - વિસાવદર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની કર્મભૂમિ છે
- ગામડાઓમાં પણ ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે: વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની નેમ રોડ કનેક્ટિવિટી સહિતના માળખાગત કામોથી સાકાર થશે
- વિસાવદર ખાતે વિકાસ પ્રકલ્પોના પ્રારંભ પ્રસંગે કૃષિ અને પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટ યાર્ડ ખાતેથી વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લાના ૬૩૪ કરોડના કરોડના વિકાસ કામોની જાહેરાત અને ૯૪ કરોડના કામોની ભેટ આપતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી છેવાડાના લોકો સુધી સરકારના વિકાસ કાર્યો પહોંચ્યા છે. આ તકે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું કે સરકાર વિકાસ માટે જોઈએ એટલા નાણા આપશે. સ્થાનિક ટીમ સંકલન કરીને નવા વિકાસ કામોની પણ દરખાસ્ત મોકલી આપે.
મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ જિલ્લામાં રૂ. ૬૩૪ કરોડથી વધુના નવા કામોની જાહેરાત કરી હતી. ૯૪ કરોડના ઇ – ખાતમુહુર્ત અને લોકાર્પણ સહિત વિકાસ કાર્યોની ભેટ આપી હતી. રાજ્યમાં થઈ રહેલા નવા વિકાસ કામોની બાબતો સહિત મુખ્યમંત્રીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ ચરિતાર્થ થશે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ જિલ્લાની ૫ વિધાનસભા વિસ્તાર માટે રોડ રસ્તા સહિતના વિકાસકામો માટે અંદાજે રૂ.૬૩૪ કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી. જેમાં વિસાવદરમાં રોડ રસ્તા માટે અંદાજે રૂ. ૨૫૯ કરોડ ઉપરાંત રૂ. ૫૫ કરોડના ખર્ચે અધ્યતન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણના કામનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે બજેટમાં પાંચ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની જોગવાઈ કરી છે તેમાં વિસાવદરનો પણ સમાવેશ છે અને આ માટે જમીનની પણ ફાળવણી થઈ ગઈ છે.
મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ અને તેમની કર્મભૂમિને યાદ કરતા કહ્યું કે રાજ્ય સરકારે જ્ઞાન આધારિત વિકાસ ની નીતિ હાથ ધરીને શિક્ષણ, સ્કિલ ડેવલોપમેન્ટ અને યુવાઓને રોજગારી ના નવા અવસરો પ્રાપ્ત થાય તે માટે નેમ લીધી છે અને આ કાર્યમાં સર્વાંગી વિકાસના કામો હાથ ધર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની અગ્રતાના સંદર્ભમાં કહ્યું કે, તાજેતરમાં ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં સરકારે રૂપિયા એક કરોડનો વધારો કર્યો છે, તેમાં રૂ.૫૦ લાખ માત્ર પાણીના કામોમાં ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતોના કલ્યાણ માટે અનેક કામો હાથ ધરવામાં આવ્યા છે, તે સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, પાણીના કાર્યો માટે નાણા વાપરવાની આ ખાસ જોગવાઈ થી જળ સિંચાઈના કામોથી સિંચાઈ વ્યવસ્થા મજબૂત થશે અને પાણીને બચાવવાનું કર્તવ્ય આપણે જન ભાગીદારીથી નિભાવીએ તેવો પણ અનુરોધ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Organ Donation :સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં આપણે નવ સંકલ્પને સાકાર કરીએ તેમ જણાવીને જળસંચય, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, પર્યટન સંવર્ધન, મેદસ્વિતા નિયંત્રણ, યોગ રમતગમત અને બીજાને મદદ કરવા સહયોગ સહિતની નેમ પાર પાડવા જનમેદની ને આહવાન કર્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણો વિસ્તાર ખેતી આધારિત છે. ચાલુ વર્ષે સારો વરસાદ થયો છે. ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું છે.હાલ ઉનાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે. ખેડૂતોની આવકમાં વધારો થાય અને એને પોષણક્ષમ ભાવ આપવા માટે સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરે છે.હાલ મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના લીધે ખેડૂતોને સીધો જ ૫૦ થી ૭૦ હજારનો ફાયદો થાય છે. આમ રાજ્ય સરકાર ખેડૂતોના દરેક પ્રશ્ન સમસ્યા માટે હર હંમેશ તેની પડખે છે.તેમણે આ તકે જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ ને સહકારથી સમૃદ્ધિનું મંત્ર સાકાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદર ખાતેથી જૂનાગઢ જિલ્લામાં ૬૩૪ કરોડના નવા કામોની જાહેરાત કરી ૯૪ કરોડના વિકાસ કામોની ભેટ આપી@CMOGuj @RaghavjiPatel @collectorjunag @InfoGujarat pic.twitter.com/Wkxewl4GMt
— Info Junagadh GoG (@InfoJunagadhGoG) April 11, 2025
સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં દરેક ક્ષેત્રે ઝડપથી વિકાસ થાય એ દિશામાં મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશમાં કામ થઈ રહ્યું છે.ઘણા વર્ષોથી આ વિસ્તારની રોડ ,રસ્તા ની અને અન્ય માંગણીઓ હતી. મુખ્યમંત્રીશ્રીએ વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી છે.
જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટ પટેલે જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં,કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ અને દ્રષ્ટિથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વડપણ હેઠળ સહકારી ક્ષેત્રે ખેડૂતને મદદ કરવા માટે મુહિમ શરૂ કરી છે. આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક એ શાખાઓના નવીનીકરણનું એ લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે ગામડાઓમાં પણ માળખાકીય સુવિધામાં વધારો થશે. તેમણે ઉમેર્યું હતું કે, જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કોઈપણ ખેડૂતને પશુ નિભાવ માટે રૂ. ૨ લાખની લોન, ખેડૂતોના સંતાનો માટે વગર વ્યાજની શિક્ષણ લોન આપવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે રૂ. ૩૬.૯૫ કરોડના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કર્યું હતું. જેમાં વંથલી ખાતે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના ગોડાઉન કોમ્પલેક્ષ,જિલ્લા પંચાયત જૂનાગઢ સંચાલિત સ્પોર્ટ્સ ક્લબમાં બોક્સ ક્રિકેટ,ટેબલ ટેનિસ,જીમ,આર્ચરી જેવી સુવિધાઓના કામનું,જુનાગઢ શહેર ખાતે બીઆરસી ભવન ના બાંધકામ,કેશોદ ખાતે ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલ ના કામનું અને વિસાવદર ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બે શાખાઓનું નવીનીકરણ અને પાંચ મંડળીઓને માઇક્રો એટીએમ વિતરણ કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી એ રૂ. ૫૭.૧૩ કરોડના વિવિધ કામોનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં જૂનાગઢ શહેર ખાતે નવી આઈટીઆઈ બિલ્ડીંગના બાંધકામ, જૂનાગઢ શહેર ખાતે જિલ્લા પંચાયત જૂનાગઢ સંચાલિત સ્પોર્ટ્સ ક્લબમાં બેડમિન્ટન કોર્ટના કામનું, જૂનાગઢ શહેર ખાતે સબ રજિસ્ટ્રાર કચેરી, તથા સીટી સર્વે કચેરી અને માળિયાહાટીના ખાતે મામલતદાર કચેરીના બાંધકામનું, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અંતર્ગત રોડના રિસરફેસિંગના કુલ ચાર કામોનું, માર્ગ અને મકાન વિભાગ પંચાયત અંતર્ગત રોડના રિસર્ફેસિંગના કુલ છ કામોનું ઈ ખાતમુહૂર્ત યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે શ્રી મીયાવડલા સહકારી મંડળીના શ્રી રસિકભાઈ પાંચાણી, શ્રીસુડાવડ સેવા સહકારી મંડળીના શ્રી કુલદીપભાઈ વેકરીયાને માઈક્રો એટીએમ મશીન વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત શ્રી શૈલેષભાઈ રાદડિયા અને શ્રીમતી ચેતનાબેન કોટડીયા ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ શોભાવડલા (લશ્કર)ગામના શ્રી વિરજીભાઈ શેલડીયા અને બરડીયા ગામના કુસુમબેન ભટીને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કર્યા હતા. તેમજ ભલગામના સરપંચ શ્રી જ્યોત્સનાબેન ગોધાણી અને મોણીયા ગામના સરપંચ શ્રી ભાવેશભાઈ ગોંડલીયાને ટીબી મુક્ત ગામ માટે સન્માન પત્ર એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમ પૂર્વે પ્રાકૃતિક કૃષિ સ્ટોલની મુલાકાત કરી હતી અને પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો.
આ સમાચાર પણ વાંચો :Gujarat MLA fund : ગુજરાતના નિર્માણની દિશામાં ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, ધારાસભ્યોની ગ્રાન્ટમાં ધરખમ વધારો..
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સર્વે શ્રી સંજયભાઈ કોરડીયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્રી દેવાભાઈ માલમ, શ્રી ભગવાનજીભાઈ કરગટીયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણા,પૂર્વ કૃષિ મંત્રી શ્રી કનુભાઈ ભાલાળા, પૂર્વ ધારાસભ્ય શ્રી ભુપતભાઈ ભાયાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડીયા,તાલુકા પંચાયત વિસાવદર પ્રમુખ શ્રી રેખાબેન સરસિયા, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના વાઇસ ચેરમેન શ્રી મનુભાઈ ખુટી, જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ, જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિતીન સાંગવાન સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.