News Continuous Bureau | Mumbai
Dr.kalam Innovative School : “શું તમે કલ્પના કરી શકો કે એક શાળાનો વિદ્યાર્થી પોતે માલ બનાવે, વેચે અને કમાણી પણ કરે? અમરેલી જિલ્લાના એક નાના ગામમાં આવેલી સ્કૂલમાં આ કલ્પના હકીકત બની છે! ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલ – એનું નામ જ ઇનોવેશનનું પ્રતિક બની ગયું છે, જ્યાં વિદ્યાર્થીઓ ફક્ત પુસ્તકોમાંથી જ નહીં પરંતુ વાસ્તવિક દુનિયાના અનુભવોમાંથી પણ શીખી રહ્યા છે. તો ચાલો, જાણીએ કે કેવી રીતે શિક્ષણ અને વ્યવસાયનો સમન્વય શૈક્ષણિક દુનિયામાં નવી દિશા આપી રહ્યું છે.
અમરેલી જિલ્લાના આ વિશિષ્ટ સ્કૂલમાં શરૂ થયેલી એક અનોખી પહેલ હેઠળ બાળકોને પુસ્તકની સાથે સાથે વ્યવસાયિક કૌશલ્ય પણ શીખવવામાં આવે છે. જેથી તેઓ અભ્યાસની સાથે-સાથે પૈસા કમાઈ શકે. પોતાની મહેનતથી કમાણી કરી તેમના પરિવારને તો મદદ કરે જ છે, પરંતુ તેઓ આ નાણાંનો ઉપયોગ પોતાનું ભણતર આગળ ધપાવામાં પણ કરી શકે છે.
શાળાનો આ ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમ ‘કલામ યુથ સેન્ટર’ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં બાળકોને ટી-શર્ટ પ્રિન્ટિંગ અને લેસર કટીંગ જેવી ટેકનિક સાથે કામ કરવાની તક મળે છે. બાળકો જાતે વસ્તુઓ ડિઝાઇન કરે છે અને બનાવે છે અને પછી તેને વેચે છે – જેમ કે ટી-શર્ટ, મગ અને લાકડાની વસ્તુઓ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આત્મનિર્ભર બનાવવાનો છે. તેમને શીખવવામાં આવે છે કે વસ્તુ કેવી રીતે બનાવવી, તેને કેવી રીતે વેચવી અને નાણાકીય આયોજન કેવી રીતે કરવું ?
આ સમાચાર પણ વાંચો : Ayushman Card : આયુષ્યમાન કાર્ડથી સચીનના કનકપુરના ૭૩ વર્ષીય પ્રકાશચંદ્રને મળ્યુ નવું જીવન , PM જનઆરોગ્ય યોજના હેઠળ રૂ.૪.૫૦ લાખના ખર્ચે થતી બાયપાસ સર્જરી નિ:શુલ્ક થઈ
ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલનું આ મોડલ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો માટે એક ઉદાહરણ બની રહ્યું છે. અહીં બાળકો માત્ર અભ્યાસ જ નથી કરી રહ્યા , પરંતુ નાના વ્યવસાયો કરીને તેમના પરિવાર અને ગામની અર્થવ્યવસ્થામાં પણ યોગદાન આપી રહ્યા છે. શિક્ષણની દુનિયામાં આ પહેલ અભ્યાસને વ્યવહારુ બનાવવા તરફ એક મજબૂત પગલું છે.આ રીતે ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલે સાબિત કરી બતાવ્યું કે, જો શિક્ષણ સાથે વ્યવહારિકતા જોડવામાં આવે, તો બાળકોમાં આત્મવિશ્વાસ, કૌશલ્ય અને આત્મનિર્ભરતાનું વાવેતર શક્ય બને છે.