ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર.
કૃષિ કાયદાને લઈને ખેડૂતો અને મોદી સરકાર સામ-સામે થઈ ગઈ હતી. આંદોલનને વિખેરી નાખવા માટે મોદી સરકારે કળ અને બળ બંનેનો ઉપયોગ કર્યો હતો. છતાં ખેડૂતો ટસના મસ થયા નહોતા. આંદોલન દરમિયાન અનેક ખેડૂતો શહીદ થઈ ગયા હતા. કોરોના કાળમાં પણ ખેડૂતોનું આંદોલન ચાલુ જ રહ્યું હતું. ત્યારે અચાનક કૃષિ કાયદો ખેંચવાની મોદીની જાહેરાતને કારણે ભાજપના જ અનેક નેતાઓ આંચકો લાગ્યો છે. અચાનક આ કાયદો પાછળ ખેંચવા માટે મોદીનું હૃદય પરિવર્તન કેવી રીતે થયું એવા સવાલો થઈ રહ્યા છે. જોકે મોદીએ આગામી સમયમાં ઉત્તર પ્રદેશ,પંજાબ સહિતના રાજયમાં આવી રહેલી ચૂંટણીને લઈને ગણતરીપૂવર્ક આ પગલું લીધું હોવાનું માનવામા આવે છે.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. અહીં 14 વર્ષના વનવાસ બાદ તેમને સત્તા મળી હતી. ભાજપ કોઈ કિંમતે ઉત્તર પ્રદેશને ગુમાવવા માગતુ નથી. એક વર્ષથી કૃષિ કાયદાને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેને કારણે પશ્ર્ચિમી ઉત્તર પ્રદેશમાં ભાજપને નુકસાન થવાનો ડર છે. ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં પણ ભાજપની હાલત સારી નથી. છેલ્લી ચૂંટણીમાં તેમના સહયોગી રહેલા પક્ષે અખિલેશ યાદવનો હાથ પકડી લીધો છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશથી જ ભાજપ દેશભરમાં પોતાનો વિજયનો પાયો રાખી શકે છે. વર્ષ 20214માં મુઝફ્ફરનગરમાં થયેલા દંગલો બાદ ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહની રણનિતીને કારણે ભાજપને અહીં 80 માંથી 73 સીટ મળી હતી. 2017ની ચૂંટણીમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં તેમને સફળતા મળી હતી. તેથી જો ઉત્તર પ્રદેશના ખેડૂતો ભાજપ વિરુદ્ધ થઈ જાય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડી શકે છે. દેશના રાજકરણમાં ઉત્તર પ્રદેશનું હંમેશાથી મહત્વ રહ્યું છે. તેથી ભાજપને કોઈ કાળે ઉત્તર પ્રદેશમાં સત્તા ગુમાવું પરવડશે નહીં. તેથી જ નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી હોવાનું માનવામાં આવે છે.