ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
વિદેશી ઈ-કૉમર્સ કંપનીઓ માટે ધારાધોરણને અમલમાં મૂકવામાં સરકાર વિલંબ કરી રહી છે. મનફાવે એ રીતે ડિસ્કાઉન્ટના નામે ગ્રાહકોને જ નહીં, પણ દેશને પણ આર્થિક રીતે ઊધઈની માફક કોતરી રહી છે. વિદેશી ઈ-કૉમર્સ કંપનીઓએ દેશના વેપાર પર અત્યાર સુધી 30 ટકા કબજો જમાવી લીધો છે. ધીમે ધીમે 50 ટકા બજારને કબજે કરી લેશે. જે રીતે સદીઓ પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપારના નામ પર દેશને ગુલામ બનાવ્યો હતો, એ મુજબ ઈ-કૉમર્સ કંપનીઓ દેશને આર્થિક રીતે ગુલામ બનાવી રહી હોવાની ફરિયાદ સાથે વેપારીઓએ પોતાની નારાજગી સરકારના ઉદાસીન વલણ પ્રત્યે ઠાલવી છે.
કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે તહેવારોની મોસમ છે. ત્યારે ઈ-કૉમર્સ કંપનીઓ બજારમાં પોતાનું વર્ચસ્વ વધારી રહી છે. એનાથી દેશના હોલસેલ જ નહીં પણ રીટેલ સાથે જોડાયેલા વેપારીઓ માટે પણ નુકસાનકારક છે. સરકારે જો સમયસર પગલાં નહીં લીધાં તો બહુ જલદી એનું દુષ્પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. આ વિદેશી કંપનીઓને કારણે દેશના લાખો દુકાનદાર અને કર્મચારીઓની રોજગારી છીનવાઈ ગઈ છે.
દેશને આર્થિક રીતે ગુલામ બનાવી રહી હોવાનું બોલતાં શંકર ઠક્કરે કહ્યું હતું કે આ વિદેશી કંપનીઓએ દેશનો 30ટકાથી વધુ બિઝનેસ પર કબજો જમાવી લીધો છે. ધીમે ધીમે એ 50 ટકા થઈ જશે. દેશના વેપારીઓ તેમને કારણે ભોગવી રહ્યા છે. બજારમાં આ લોકોના કબજાને કારણે તેઓ પોતાના હિસાબે બજાર ચલાવશે. ઈ-કૉમર્સ કંપનીઓ માટેના કાયદા-કાનૂન અમલમાં લાવવા માટે સરકારી અધિકારીઓ ઠાગાઠૈયા કરી રહ્યા છે.
CAITના મહાનગર મહામંત્રી તરુણ જૈને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર હજી પણ જાગી નહીં તો જે રીતે દેશને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપારને નામે ગુલામ બનાવ્યો હતો. એ પ્રમાણે આ વિદેશી કંપનીઓ દેશને ફરી આર્થિક ગુલામ બનાવી દેશે. દેશને આ લોકો બરબાદ કરી નાખશે.