ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 22 ડિસેમ્બર 2021
બુધવાર.
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. તેથી મહારાષ્ટ્રમાં લગભગ દોઢ વર્ષ પછી ફરીથી શરૂ થયેલી સ્કૂલો ફરી એક બંધ થવાની શક્યતા છે. રાજ્યના શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે એવો સંકેત આપ્યો છે.
શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે મીડિયા સાથે વાત કરતા સમયે જણાવ્યું હતું કે જો રાજ્યમાં ઓમિક્રોનના કેસની સંખ્યામાં આ રીતનો જ વધારો થતો રહેશે તો શાળાઓ ફરીથી ના છૂટકે બંધ કરવામાં આવશે.
શાળા શરૂ કરવા માટેના SOP મુજબ, શાળા ચાલુ રાખવાનો નિર્ણય સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવશે. વર્ષા ગાયકવાડના જણાવ્યા અનુસાર, તે પહેલાથી જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર નક્કી કરશે કે શાળા બંધ કરવી કે નહીં.
અહીં ઉલ્લેખનીય છે કે નવી મુંબઈના ઘંસોલીમાં 18 વિદ્યાર્થીઓનો ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. વર્ષા ગાયકવાડના કહેવા મુજબ સંપૂર્ણ તૈયારી કર્યા બાદ જ તબક્કાવાર શાળા શરૂ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ દેશમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધી રહી છે. તેથી શાળાઓમાં આવતા બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવાશે. પૂરા ભારતમાં હાલ મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમણની સૌથી વધુ સંખ્યા છે.