ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
02 ફ્રેબ્રુઆરી 2021
આજે ખેડૂત આંદોલન 67મા દિવસમાં પ્રવેશ્યુ છે અને આ આંદોલનના નેતા રાકેશ ટિકૈતને મળવા માટે વિવિધ પાર્ટીના નેતાઓમાં જાણે હોડ જામી છે. ત્યારે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત આજે દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટીકૈતને મળવા પહોંચ્યા હતા. તેમની સાથે શિવસેના સાંસદ અરવિંદ સાવંત પણ હતા.
ખેડૂત નેતા રાકેશ ટિકૈત સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન સંજત રાઉતે કહ્યું હતું કે અમે પહેલા જ દિવસથી કૃષિ કાયદાનો વિરોધ કરતા રહ્યાં છીએ. મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ મને ખાસ કરીને ગાઝીપુર બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં મોકલ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ખેડૂત નેતા રાકેશ ટિકૈતને સંદેશ મોકલ્યો છે કે શિવસેના અને મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોના ટેકામાં ઊભી છે. શિવસેના પ્રમુખ ટિકૈત સાથે પણ વાત કરવાના છે. આંદોલન રસ્તા પર છે અને રસ્તા પર રહેશે.
વધુમાં સંજય રાઉતે કહ્યું હતું કે, જે રીતે અહીંયા ભય ફેલવાઈ રહ્યો છે અને ખેડૂતોને કચડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે જોતા મહારાષ્ટ્રના લોકો ખેડૂતો સાથે છે તે જણાવવા આવવાની અમારી ફરજ છે. સરકારે ખેડૂતો સાથે વાત કરવી જોઈએ. અહંકારથી દેશ ચલાવી શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે દિલ્હી આવતા પહેલા સંજય રાઉતે ટ્વીટ પણ કર્યુ હતુ કે, મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના સૂચન પ્રમાણે હું ખેડૂતોને દિલ્હી બોર્ડર પર મળવા માટે જઈ રહ્યો છું.
મહત્વપૂર્ણ છે કે આ અગાઉ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અકાલી દળ, રાષ્ટ્રીય લોકદળના નેતાઓ પણ રાકેશ ટિકેતને મળી ચુક્યા છે.
