ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
07 નવેમ્બર 2020
દેશમાં કોરોનાનું સક્ર્મણ વધી રહ્યું હોવાના કારણે દેશનાં પાંચ રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ દિવાળીમાં ગુજરાત સરકાર ફટાકડા ફોડવાની છૂટ આપશે કે, નહીં આપે તે બાબતે લોકો મૂંઝવણમાં મુકાયા હતા કારણ કે, કોરોનાની મહામારી વચ્ચે લોકો તહેવારોની ઉજવણી ધામધૂમથી કરી શક્યા નથી. ત્યારે હવે લોકોની આ મૂંઝવણ રાજ્ય સરકાર દ્વારા દૂર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ફટાકડા ફોડવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા ફટાકડા ફોડવા મામલે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ફટાકડાની વિદેશથી આયાત કરવા પર પણ સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ફટાકડાની ગેરકાયદેસર આયાત, વેચાણ અને સંગ્રહખોરી પર લગામ કસવા માટે 144ની કલમ અનુસાર પ્રતિબંધાત્મક આદેશ આપવામાં આવ્યો છે. લોકોએ દિવાળીની સાથે-સાથે અન્ય તહેવારો જેવા કે, ક્રિસમસ અને નૂતન વર્ષ દરમિયાન પણ ફટાકડા ફોડવા બાબતે આ તમામ સૂચનાઓનું પાલન કરવું પડશે અને જે લોકો તેનું પાલન નહીં કરે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે, ડૉકટરોના કહેવા અનુસાર ફટાકડાના કારણે થતો ધુમાડો કોરોના સંક્રમિત થયેલા દર્દીઓ માટે જ નહીં પરંતુ કોરોનાથી સારા થયેલા લોકો માટે પણ જોખમી સાબિત થઇ શકે છે. કારણ કે, કોરોના વાયરસ લોકોના ફેફસા પર સીધી અસર કરે છે અને કોરોના વાયરસના કારણે દર્દીને ફેફસા નબળા પડે છે. જેના કારણે ફટાકડાના ધુમાડાથી વ્યક્તિને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ શકે છે. જેના કારણે નિષ્ણાંતો દિવાળીમાં ફટાકડા ન ફોડવાની સલાહ આપી રહ્યા છે.