ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 જાન્યુઆરી 2022
મંગળવાર
‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ ટેલી ફિલ્મ બાદ ધોરડો સફેદ રણ વૈશ્વિક નકશે ચમક્યું છે અને દર વર્ષે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ન માત્ર ધોરડો પરંતુ માંડવી બીચ સહિત જિલ્લાના ધાર્મિક, પ્રવાસન અને ઐતિહાસિક સ્થળોની મુલાકાતે આવતા હોય છે. આ વખતે કોરોનાની બીજી લહેર બાદ સંક્રમણ ઘટવાની સાથે ૧ નવેમ્બરથી શરૂ થયેલા રણોત્સવમાં પર્યટકોની ભરતી આવી હતી અને ટેન્ટસિટી હાઉસફૂલ થવાની સાથે ધોરડોથી લઇને છેક જિલ્લા મથક ભુજ સુધીની હોટેલો પ્રવાસીઓથી ઉભરાઇ હતી.
ધોરડો સફેદ રણમાં મહાલવા આવતા પ્રવાસીઓની સંખ્યા કોરોનાના વધતા સંક્રમણના પગલે અડધાથી પણ ઓછી થઇ ગઇ છે. અગાઉ દરરોજના ૩થી ૪ હજાર પ્રવાસીઓ આવતા હતા પરંતુ છેલ્લા સપ્તાહમાં આ સંખ્યા ૬૦ ટકા ઘટી છે. વધુમાં હાઉસફૂલ રહેતી ટેન્ટસિટી પણ ખાલીખમ છે. જાે કે, તા.૧૫-૧ સુધીમાં તંત્રને પરમીટ પેટે ૧.૪૭ કરોડની આવક થઇ છે.
કોરોનાના ઓછાયા વચ્ચે ત્રીજી લહેરમાં જાન્યુઆરી મહિનાથી સંક્રમણ વધતા પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી છે. આ અંગે ભુજના મદદનીશ કલેક્ટર અતિરાગ ચપલોતે જણાવ્યું હતું કે, રણોત્સવ શરૂ થયા બાદ અગાઉ દરરોજના ૩થી ૪ હજાર પર્યટકો સફેદ રણની મુલાકાતે આવતા હતા પરંતુ કોવિડ-૧૯નું સંક્રમણ વધતાં હાલે પ્રવાસીઓની સંખ્યામાં અડધાથી પણ ઓછી થઇ ગઇ છે એટલે કે, ૬૦ ટકા સહેલાણીઓ ઘટી ગયા છે.
આ ઉપરાંત રણોત્સવ દરમિયાન સફેદ રણમાં ભાતીગળ કચ્છી લોક સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોના કારણે લોકો મોટી સંખ્યામાં ભેગા થાય છે અને હાલ જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને આવા કાર્યક્રમો પર રોક લગાવાઇ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ વખતે રણોત્સવ શરૂ થયો ત્યારથી લઇને તા.૧૫-૧ સુધી પરમીટ પેટે રૂ.૧.૪૭ કરોડની આવક તંત્રને થઇ છે.