News Continuous Bureau | Mumbai
GARC website :
- રાજ્યના આ વર્ષના બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત કરવાની જાહેરાત પછી તરત જ પંચની રચના અને માત્ર એક જ મહિનામાં પંચનો પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત
- મુખ્યમંત્રીશ્રીના હસ્તે GARCની વેબસાઈટનું લોન્ચિંગ- ભલામણ અહેવાલ વેબસાઈટ પર ઉપલબ્ધ
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની સુશાસન ક્રાંતિને આગળ ધપાવીને રાજ્યમાં ગુડ ગવર્નન્સની દિશા અપનાવી છે.
મુખ્યમંત્રીશ્રી આ હેતુસર રાજ્યના વહીવટી માળખા તથા કાર્ય પદ્ધતિમાં જરૂરી સુધારણાઓ કરવા અને માનવ શક્તિનું તર્ક સંગીકરણ કરવા સાથે નવીન ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્યક્ષમતા વૃદ્ધિ માટે આ વર્ષના બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCની રચના મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને કરવાની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઝડપી ગતિશીલ અને પારદર્શક કાર્યસંસ્કૃતિનું વધુ એક ઉદાહરણ આ GARCએ પૂરું પાડ્યું છે. ગુજરાત વહીવટી સુધારણા પંચની બજેટમાં જાહેરાત થયાના ગણતરીના દિવસોમાં જ પંચનું ગઠન કરી દેવામાં આવ્યું હતું.
એટલું જ નહીં, ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં આ GARCએ જાહેરાત થયાના એક જ મહિનામાં પોતાનો પ્રથમ ભલામણ અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને મંગળવારે ગાંધીનગરમાં સુપ્રત કર્યો હતો.
GARCએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પોતાના આ પ્રથમ ભલામણ અહેવાલમાં રાજ્યની વહીવટી કાર્યસંસ્કૃતિ માટે ખૂબ અસરકારક ભલામણો સરકારને કરી છે.
મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી તથા અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની અને અગ્ર સચિવશ્રીઓ સુશ્રી મોના ખંધાર, ટી. નટરાજન તેમજ સભ્ય સચિવ શ્રી હારિત શુક્લાના સમાવેશ સાથેના આ ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)એ રાજ્ય સરકારને કરેલી ભલામણોમાં જે બાબતો આવરી લેવામાં આવી છે તેમાં સરકારી મિટિંગોની કાર્યક્ષમતા વધારવા અને વધુ પરિણામલક્ષી બનાવવા પરિપત્ર સ્વરૂપે ગાઈડલાઈન બહાર પાડવાની ઉપરાંત રાજ્ય સરકારની કચેરીઓમાં પ્રવર્તમાન વહીવટી સમસ્યાઓ સંદર્ભે કર્મચારીઓ-અધિકારીઓના અનામી રીતે પ્રતિભાવો-ફિડબેક મેળવવા, ઈન્ફો-ટેક્ અને આઈડિયાઝ બોક્સની વ્યવસ્થા અને ક્યુઆર કોડ જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા સાથે ઓફિસમાં યોગ્ય જગ્યાએ પારદર્શી બોક્સ મુકવાની બાબતોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વહીવટી માળખા તથા કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારણાઓ કરવા અને માનવશક્તિનું તર્કસંગીકરણ કરવા સાથે નવીન ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્યક્ષમતા વૃદ્ધિ માટે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને રચવામાં આવેલ… pic.twitter.com/Kuuj9wzb8U
— CMO Gujarat (@CMOGuj) March 25, 2025
આ સમાચાર પણ વાંચો: Gujarat Emergency Helpline : 112 ઇમરજન્સી હેલ્પલાઇનને સમગ્ર રાજ્યમાં શરૂ કરવાની તૈયારી પૂરજોશમાં…
સ્વચ્છ ભારત અભિયાનને વેગવાન બનાવવા કચેરીઓમાં સ્વચ્છતા અને વ્યવસ્થાની ઉચ્ચ સ્થિતિ જળવાઈ રહે તે માટે ચોક્કસ ગાઈડલાઈન બનાવવા અને પ્રોફેશનલ એજન્સીની સેવાની ભલામણ પણ GARCના અહેવાલમાં કરાઈ છે.
સામાન્ય જનતા અને નાગરિકો સરકારી કચેરીમાં સંબંધિત વિભાગ-અધિકારી સુધી સરળતાએ પહોંચી શકે તે માટે કચેરી દ્વારા પુરી પાડવામાં આવતી સેવા અંગેની સ્પષ્ટ વિગતો સાથે સ્ટાન્ડર્ડ સાઈનેજ બહુભાષી લખાણમાં રાખવાની ભલામણ આ અહેવાલમાં કરવામાં આવેલી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે GARCના પંચની નવી વેબસાઈટ પણ લોન્ચ કરી હતી. GARCએ રાજ્ય સરકારને કરેલી આ સહિતની ભલામણોનો પ્રથમ અહેવાલ પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર અને GARCના અધ્યક્ષ ડો. હસમુખ અઢિયાના માર્ગદર્શનમાં પંચ દ્વારા એવી કાર્યપ્રણાલી વિકસાવવામાં આવી છે કે, જેમ-જેમ GARC પોતાના ભલામણના અહેવાલ તૈયાર કરશે તેમ સમયાંતરે આ અહેવાલો રાજ્ય સરકારને સોંપવામાં આવશે.
આ ઉપરાંત GARC એ એક નવતર અભિગમ અપનાવીને સામાન્ય નાગરિકો તથા કર્મચારીઓ પાસેથી પણ વહીવટી સુધારણા અંગે કમિશનની વેબસાઈટ પર સૂચનો મંગાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. એટલું જ નહિ, લોકો પાસેથી સૂચનો અને સુઝાવો મળે તેવી અપેક્ષા પણ GARC એ વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને GARCના આ પ્રથમ ભલામણ અહેવાલ સુપ્રત કરવા અવસરે મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ. એસ. રાઠોર, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને GARCના સભ્ય સચિવ શ્રી હારિત શુક્લા પણ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.