ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
દુનિયાના કોઈપણ ખૂણે સમાજસેવામાં સદા અગ્રેસર રહેનારો કચ્છી સમુદાય ફરી એકવાર આગળ આવ્યો છે. કચ્છના સર્વાંગી વિકાસ માટે કચ્છી ભાઈઓએ દિલ ખોલીને 13.25 કરોડ રૂપિયા ભેગા કર્યા છે.
તાજેતરમાં ગુજરાતના સ્પીકર ડો.નીમાબેન આચાર્ય, અન્ય મહાનુભાવો સહિત કચ્છી સમાજના અગ્રીણીઓની એક મીટિંગ થઈ હતી, જેમાં સમાજના દાનશુરોએ કચ્છ માટે અધધધ કહેવાય એમ 13.25 કરોડ રૂપિયાની માતબર રકમ ઊભી કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ 1લી ફેબ્રુઆરીના પણ આ જ મિટિંગ હતી, જેમાં સમાજના અગ્રણી દાતાઓએ ખુલ્લા હાથે પોતાના માદરે વતન માટે 6.25 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
કચ્છી સમાજના અગ્રણીઓના કહેવા મુજબ આ નાણાંનો ઉપયોગ કચ્છમાં જળ સંચયનો ઉપયોગ કરીને ગામડાઓના સંકલિત વિકાસ માટે કરાશે. જમીનમાં ઓર્ગેનિક સામગ્રીનો ઉપયોગ કરીને તેથી વધુ ખેતીલાયક બનાવાશે. ગૌચરની જમીનો પશુ ચરવા માટે વિકસાવવામાં હશે. હજારો સ્થાનિક વૃક્ષોના વાવેતર દ્વારા કચ્છની કાયાપલટ કરવાની આ ઐતિહાસિક ચળવળ માટે વાપરવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કચ્છ પર જયારે જયારે કુદરતી આફત આવી છે ત્યારે દુનિયાભરના કચ્છીઓ આગળ આવ્યા છે અને કચ્છના સર્વાંગી વિકાસમાં સહભાગી રહ્યા છે.