News Continuous Bureau | Mumbai
- ખેડૂતો તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી ઓનલાઇન નોંધણી કરાવી શકશે
Wheat Procurement: ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી “રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે અન્વયે રૂ.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી કરવામાં આવશે.
આ ઓનલાઇન નોંધણી માટે ખેડૂતની આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨, ૮-અની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે રાખવાના રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તો આ માટે ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Bus: ફૂટબોલ ટુર્નામેન્ટ માટે 26 વિદ્યાર્થીઓને લઈ જતો બસ ડ્રાઈવર દારૂના નશામાં ધુત, ટ્રાફિક પોલીસની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી
વધુમાં, ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ-કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવી. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ પણ નહી કરવામાં આવે. નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવ્યું છે.
—–
જીગર બારોટ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.