ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
ઠાકરે સરકારના વિધાન પરિષદના 12 ધારાસભ્યોની નિમણુંકનો નિર્ણય આઠ મહિના સુધી પેન્ડિંગ રાખવા મામલે બોમ્બે હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શુક્રવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી.
આ મુલાકાત અંગે સત્તાવાર માહિતી રાજભવનથી આપવામાં આવી છે. જોકે આ મુલાકાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ઉલ્લેખનીય છે કે ઠાકરે સરકારના મંત્રીમંડળે મંજૂર કરેલી વિધાન પરિષદના 12 ધારાસભ્યોની નિમણુંક નો મુદ્દો રાજ્યપાલ પાસે નિર્ણય માટે પેન્ડિંગ છે. આ મામલે હાઇકોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી.
અરજી પર સુનાવણીમાં મુંબઈ હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે 12 ધારાસભ્યોના પ્રસ્તાવને લાંબા સમય સુધી પેન્ડિંગ રાખી શકાય નહીં.
જોકે હાઇકોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે અને કહ્યું છે કે સરકારના નિર્ણયને સ્વીકારવો કે નકારવો તે રાજ્યપાલ પર નિર્ભર છે.