News Continuous Bureau | Mumbai
Gujarat CM Big Decision :
* નવરચિત મહાનગરપાલિકાઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ-સીટી બ્યુટીફિકેશન જેવા કામો માટે 585.53 કરોડ
*રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે 105.03 કરોડ અને બે શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને 473.19 કરોડ
નવરચિત મહાનગર પાલિકાઓમાં જાહેર પરિવહન બસ સેવા સંચાલન માટે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજનામાંથી 39 કરોડ રૂપિયા અપાશે
*સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કામો હાથ ધરાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત@2047ના વિઝનથી વિકસિત ભારત@2047 માટે રાજ્યને અગ્રેસર રાખવાની નેમ સાથે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ માટે 1202.75 કરોડ રૂપિયાના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
રાજ્ય સરકારે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે શહેરોમાં સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુખાકારી સુવિધાઓથી નાગરિકોના ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’ને સાકાર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓની રચના કરી છે. એટલું જ નહિં, આ નવરચિત મહાનગરપાલિકાઓ સહિત રાજ્યના નગરો-શહેરોમાં લોકહિતના કામોને પણ વેગવંતા બનાવ્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આવા કામો માટે નાણાં ફાળવણીના ઉદાત્ત અભિગમને આગળ ધપાવતાં મુખ્યમંત્રીશ્રીએ આ રૂ. 1202.75 કરોડના વિકાસ કામોની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર રાજ્યની નવરચિત 8 મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, સેનિટેશન જેવા ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના કામો ઉપરાંત આંગણવાડી, શાળાના મકાનો, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર વગેરે સામાજિક આંતરમાળખાકીય સુવિધાના કામો માટે નાણાં ફાળવ્યા છે. આ ઉપરાંત, અર્બન મોબિલિટી, સીટી બ્યુટીફિકેશન, આગવી ઓળખના કામો, પાણી પુરવઠાના અને વરસાદી પાણીના નિકાલના કામો વગેરે કામો માટે રૂપિયા 585.83 કરોડના ખર્ચની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
તદઅનુસાર, નવસારી મહાનગરપાલિકાને 81 કરોડ, નડિયાદને 75 કરોડ, આણંદને 78.07 કરોડ, સુરેન્દ્રનગરને 81.04 કરોડ, ગાંધીધામને 104.07 કરોડ તથા વાપીને 78.63 કરોડ તેમજ પોરબંદરને 80.30 કરોડ અને મહેસાણાને 7.42 કરોડ રૂપિયા ના વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીશ્રીએ આ નવરચિત મહાનગરપાલિકાઓમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની માંગને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી શહેરી બસ સેવાઓની CNG બસોના સંચાલન માટે 2025થી 2027ના ત્રણ વર્ષ સુધી દર વર્ષે 39 કરોડ રૂપિયા આપવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ નવરચિત મહાનગરપાલિકાઓ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બે શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળો વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને અદ્યતન ખેલકૂદ સંકુલ માટે 72.52 કરોડ રૂપિયા તથા 60 એમ.એલ.ડી.ના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ચાર ટી પી વિસ્તારોમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક ના કામો માટે કુલ 302.86 કરોડ મળીને કુલ રૂ. 375.38 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ફાળવ્યા છે. આ ઉપરાંત સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને રોડ રિસરફેસિંગ અને નવા રસ્તા બનાવવા તથા એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટના કામો માટે 97.81 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : MEMU Train : અસારવા-ચિતોડગઢ રૂટ પર મેમુ ટ્રેનનો પ્રારંભ, ધારાસભ્ય-સાંસદોની ઉપસ્થિતિમાં અપાઈ લીલી ઝંડી
રાજ્યની સુરત, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકાઓને ખાનગી સોસાયટી જનભાગીદારી અંતર્ગતના કામો, આંતર માળખાકીય સુવિધાના કામો તેમજ રસ્તા, પાણીની લાઈન, ગટર વ્યવસ્થાના કામો માટે કુલ 105.03 કરોડ રૂપિયાના કામો મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ માટેના ગુજરાતના વિકાસ વિઝનમાં નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન, વધુ સારો અનુભવ અને શહેરોને સક્રિય, સ્માર્ટ અને ટકાઉ તેમજ ગતિશીલ શહેરી કેન્દ્રોમાં પરિવર્તિત કરવાની બાબતોને કેન્દ્ર સ્થાને રાખતાં આ 1202.75 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.