News Continuous Bureau | Mumbai
Gujarat Government OPS: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારના લાખો કર્મચારીઓના હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. મંત્રી મંડળની બેઠક બાદ આ નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.
પ્રવક્તા મંત્રી એ કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ આવે તે સંદર્ભે મંત્રી મંડળના સભ્યોની કમિટી રચવામાં આવી હતી. આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડની સમિતિએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજી હતી, જેના પરિણામે આજે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું સુખદ સમાધાન આવ્યું અને આ મહત્વના નિર્ણયો લેવાયા છે.
નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક મેળવનાર કર્મચારીઓની નિમણૂંક હુકમની શરતો અનુસાર તેમની ફિક્સ પગારની સેવા, નિવૃતિ વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર ગણાશે નહીં, તેવો ઉલ્લેખ હતો. જે તે કર્મચારીઓએ આ બાબતે લેખિતમાં બાહેધરી પણ આપી હતી, તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક કર્મચારી અને તેમના પરિવારજનોના હિતાર્થે આ લાભો રાજ્યના ( Gujarat Government ) આવા ૬૦ હજારથી વધુ કર્મચારીઓને આપવાનો સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ ( Government Schemes ) નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે, તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક તા. ૦૧/૦૪/૨૦૦૫ પછી થઇ હોય અથવા તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. ૦૧/૦૪/૨૦૦૫ પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત ૬૦,૨૪૫ જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના ( Old Pension Scheme ) સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે. જેનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : BIS Ahmedabad: BIS અમદાવાદે વિશ્વ માનક દિવસ નિમિત્તે માનક મહોત્સવના ભાગરૂપે બનાસકાંઠામાં સ્ટેકહોલ્ડર કોન્કલેવનું કર્યું આયોજન.
વધુમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કર્મચારી મંડળો દ્વારા ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થુ તેમજ વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થુ સાતમાં પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ જે અત્યારે બેઝીક પગારના ૫ કે ૧૦ ટકા આપવામાં આવે છે, તેને સાતમાં પગાર પંચ મુજબ આપવામાં આવે, મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થાના દર સુધારવામાં આવે તેમજ વયનિવૃતિ અને અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવાની બાબતોને લગતી રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી.
મુખ્યમંત્રી ની આગેવાની હેઠળ કેબીનેટ બેઠકમાં ઉપરોક્ત તમામ માંગણીઓને સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરાયો છે. જેનો વિગતવાર ઠરાવ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.
સરકારી કર્મચારીઓના હિતમાં સ્વીકાર કરાયેલા જુની પેમુન્શન યોજના સિવાયના નિર્ણયોમા રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક આશરે રૂ. ૨૦૦ કરોડથી વધુની રકમનું ભારણ પડશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.