ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧
ગુરૂવાર
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવ્યું છે તેવા ગુજરાતના મહાન કવિ ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે તેમના જન્મસ્થળે એક ભવ્ય મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના આ સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ, સમાજ સુધારક અને લેખક ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે ઉજવણીના ભાગરૂપે મ્યુઝિયમ બનાવવાની આ યોજના પર સરકાર કામ કરી રહી છે.
ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં 28 ઓગસ્ટ, 1896ના રોજ થયો હતો. મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી રાજ્ય સ્તરે કરવા માટે, ગુજરાત સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની હેઠળની એક સમિતિની રચના કરી હતી. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી પણ આ સમિતિમાં સામેલ છે. ચુડાસમાની અધ્યક્ષતાવાળી કમિટીએ કરેલા સૂચનોને અસરકારક રીતે અમલ કરવા રાજ્ય સરકારે બીજી અમલીકરણ સમિતિની રચના પણ કરી છે.
આ મહાન કવિના સ્મારકરૂપે મ્યુઝિયમ બનાવવા માટે ગુજરાત સરકારે પાંચ કરોડ રૂપિયાની રકમ પણ ફાળવી છે. આ ભવ્ય મ્યુઝિયમ પાંચ એકર જમીનમાં બનાવવામાં આવશે. મ્યુઝિયમ પ્રોજેક્ટ માટે ચોટીલામાં સુરેન્દ્રનગર કલેક્ટરની કચેરી દ્વારા જમીનની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેવી માહિતી અમલીકરણ સમિતિના વરિષ્ઠ અધિકારીએ એક મીડિયા હાઉસને આપી હતી.
પિનાકીએ આ મીડિયા હાઉસને જણાવ્યું હતું કે ઝવેરચંદ મેઘાણીના પિતા કાલિદાસ બ્રિટિશ યુગમાં પોલીસ દળમાં કાર્યરત હતા. કાલિદાસ અને તેમની પત્ની ધોળીબેન ઝવેરચંદના જન્મ સમયે ચોટીલામાં બે ઓરડાના સત્તાવાર ક્વાર્ટરમાં રહેતા હતા. આ ક્વાર્ટર હવે રસ્તા અને મકાન વિભાગ હસ્તક રાજ્યની મિલકત છે. પિનાકીએ તેના દાદાના સ્મારક તરીકે આ જ ઘર વિકસિત કર્યું છે. પિનાકીએ કહ્યું કે તેમણે સરકારને ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળની આસપાસ પુસ્તકાલય, સેમિનાર હોલ, વગેરે સુવિધાઓ સાથે એક સંકુલ બનાવવા સૂચન કર્યું છે.
આ સંદર્ભે ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મીડિયા હાઉસને કહ્યું હતું કે “કોવિડને કારણે, અમે સંગ્રહાલયને લગતા કામ કરી શક્યા નહીં. જોકે, બજેટમાં આ સંગ્રહાલય માટેની જોગવાઈ કરવામાં આવી છે અને હું આવતા મહિને ચોટીલામાં સમિતિના તમામ સભ્યો સાથે બેઠક યોજવા જઇ રહ્યો છું. અમે આ દિવસની ઉજવણી માટે બે-ત્રણ મહત્વપૂર્ણ ઇવેન્ટ્સની યોજના બનાવી રહ્યા છીએ.”