News Continuous Bureau | Mumbai
૭ થી ૧૯ ડિસેમ્બર દરમિયાન ઝુંબેશ અન્વયે ગુજરાતમાં
* ૧૬ જિલ્લા અને ચાર મહાનગરપાલિકા વિસ્તારોમાં ત્રણ ૩૩.૯૨ લાખ હાઈરીસ્ક વસ્તીનું મેપિંગ અને ૪.૪૨ લાખ ટી.બી. સ્ક્રિનિંગ થયું
* રાજ્યમાં ૧૦ હજારથી વધુ નિક્ષય મિત્રો દ્વારા ૩.૨૧ લાખ પોષણ કિટ આપવામાં આવી
* ૩૪ હજાર થી વધુ એક્સ-રે તપાસ અને નિક્ષય શિબીરોનું આયોજન થયું
* રાજ્યમાં એક પણ દર્દી નિક્ષય મિત્ર સાથે જોડાવાથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાની નેમ છે
CM Bhupendra Patel: ભારતને ૨૦૨૫ સુધીમાં ટી.બી. મુક્ત બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા નિર્ધારને સાકાર કરવા ગુજરાત ટાર્ગેટેડ એપ્રોચની પ્રતિબદ્ધતા સાથે આગળ વધ્યું છે તેમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ “૧૦૦ દિવસ સઘન ટી.બી. નિર્મૂલન ઝુંબેશ” અંતર્ગત દેશના રાજ્યોમાં થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે યોજેલી વિડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી સહભાગી થયા હતા.
આ વિડીયો કોન્ફરન્સમાં દેશના રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ તથા આરોગ્ય મંત્રીશ્રીઓએ જોડાઈને પોતાના રાજ્યોમાં હાથ ધરાઈ રહેલી કાર્યવાહીથી કેન્દ્રીય મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં તા. ૭ ડિસેમ્બર ૨૦૨૪થી આ ઝુંબેશનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ૧૬ જિલ્લા અને ૪ મહાનગર પાલિકા વિસ્તારનો આ ઝુંબેશમાં સમાવેશ કરવામાં આવેલો છે તેની ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું કે, આ ઝુંબેશ અંતર્ગત ૩૩.૯૨ લાખ જેટલી હાઈ રિસ્ક વસ્તીનું મેપિંગ અને ૪.૪૨ લાખનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે આ ઉપરાંત ૩૪ હજારથી વધુ એક્સ-રે તપાસ પણ કરવામાં આવેલી છે.
આ સમાચાર પણ વાંચો : Gujarat Global Expo: નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન: સુરતવાસીઓનો બહોળો પ્રતિસાદ
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાએલી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ ટી.બી.ના નવા કેસ ઝડપથી શોધવા તથા નવા તમામ કેસોને સારવાર પર મૂકી મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવવાનો છે.
સ્ક્રિનિંગ દરમિયાન શોધાયેલા દર્દીઓને સારવાર, નિક્ષય પોષણ યોજનાનો લાભ આપવો તેમજ નિક્ષય મિત્ર દ્વારા દત્તક લઈને પોષણ કીટ અપાવવી અને ટી.બી.નો ચેપ ધરાવતા વ્યક્તિઓને પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટ વગેરે જેવી કામગીરી રાજ્યમાં હાથ ધરવામાં આવી છે તેની પણ મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં વિગતો પૂરી પાડી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કેમ, રાજ્યમાં એક પણ દર્દી નિક્ષય મિત્ર સાથે જોડાવાથી વંચિત ન રહે તે સરકાર સુનિશ્ચિત કરશે આ હેતુસર NGO, પ્રતિષ્ઠિત ઉદ્યોગો, સમાજસેવી અગ્રણીઓને પણ નિક્ષય પોષણ કીટ વિતરણમાં જોડવાની નેમ તેમણે દર્શાવી હતી.
રાજ્યમાં ૨,૭૦૬ જેટલી નિક્ષય શિબીરો યોજવામાં આવી છે તથા કુલ ૧૦,૧૩૨ નિક્ષય મિત્રો દ્વારા ૩ લાખ ૨૧ હજાર પોષણ કિટ આપવામાં આવી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગોવા સહિતના રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓએ પોતાના રાજ્યોમાં ટી.બી. નિર્મૂલન ઝૂંબેશની થયેલી કામગીરીનું વિવરણ કર્યુ હતું.
ગાંધીનગરથી આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીશ્રી સાથે આરોગ્ય અગ્રસચિવ શ્રી ધનંજય દ્વિવેદી, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલ અને NHRMના મિશન ડિરેક્ટર શ્રી રેમ્યા મોહન પણ જોડાયા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.