News Continuous Bureau | Mumbai
Gujarat MLA fund :
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જળસંગ્રહ અને જળ સંચય માટે શરૂ કરાવેલા “કેચ ધ રેઈન” અભિયાનમાં રૂપિયા ૫૦ લાખના કામો ધારાસભ્યોએ વિકાસ કામો માટેની આ વધારાની ગ્રાન્ટ માંથી કરવાના રહેશે
———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારતના નિર્માણના આહવાનને ગુજરાતમાં વિકસિત ગુજરાતથી ઝિલી લેવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ દેશના વિકાસ માટે રાજ્યના વિકાસને વેગવંતો બનાવવા તથા વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાતની પ્રસ્થાપિત ઓળખ વધુ ઉન્નત બને તે માટે રાજ્યના ધારાસભ્યશ્રીઓને મતવિસ્તારના વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં માતબર વધારો કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય અનુસાર ધારાસભ્યશ્રીઓને સ્થાનિક અગત્ય ધરાવતા સામૂહિક વિકાસના કામો માટે ફાળવાતી હાલની વાર્ષિક ૧.૫૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં ૧ કરોડ રૂપિયાનો વધારો કરીને હવે આવી વાર્ષિક ગ્રાન્ટ ૨.૫૦ કરોડ રૂપિયા પ્રમાણે અપાશે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટેના કામો હાથ ધરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘કેચ ધ રેઈન’ અભિયાનને વેગ આપે તેવો અભિગમ પણ આ ગ્રાન્ટ ફાળવણીમાં રાખ્યો છે.
વરસાદી પાણીના સંગ્રહથી ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના હેતુંથી રાજ્યમાં ૨૦૧૮થી દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન યોજાય છે. આ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરવા, ચેકડેમોનું ડિસિલ્ટીંગ, નહેરો તથા કાંસની મરામત-જાળવણી અને સાફસફાઈ, માટી પાળા તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવા જળ સંચયના વિવિધ કામો જનભાગીદારીથી કરવામાં આવે છે.
આ અભિયાનની સફળતાને પગલે પાછલા ૭ વર્ષમાં ૧,૧૯,૧૪૪ લાખ ઘનફુટ જેટલી જળ સંગ્રહ ક્ષમતા વધી છે તથા ૧૯૯.૬૦ લાખ માનવ દિન રોજગારી ઉત્પન્ન થઈ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણીના ટીપે-ટીપાના સંગ્રહ અને સંચય માટે “કેચ ધ રેઈન” અભિયાનનું આ વર્ષે દેશવાસીઓને આહવાન કર્યું છે. આ આહવાન ઝિલી લઈને રાજ્યના ધારાસભ્યો પણ પોતાના મતવિસ્તારોમાં વધુને વધુ વરસાદી પાણીના સંગ્રહ માટેના કામોનું આયોજન કરે તેઓ જનહિતલક્ષી અભિગમ રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અપનાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Navkar Mahamantra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કર્યું
તદનુસાર, ધારાસભ્યશ્રીઓને ફાળવવામાં આવનારી વિકાસ કામોની આ ગ્રાન્ટમાંથી ૫૦ લાખ રૂપિયા આ “કેચ ધ રેઈન – સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O” અંતર્ગત પોતાના મત ક્ષેત્રોમાં જળ સંચય અને જળ સંગ્રહના કામો માટે ઉપયોગમાં લેવાના રહેશે તેવું પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.