News Continuous Bureau | Mumbai
Gujarat Rajya Sanskrit Board :
બોર્ડના લોગોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનાવરણ:
* યોજના પંચકમ અન્વયે સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના – સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના – સંસ્કૃત પ્રોત્સાહન યોજના – શ્રીમદ ભાગવદ ગીતા યોજના – શત સુભાષિત કન્ઠ પાઠ યોજના શરૂ કરાશે.
* રાજ્યમાં 6 થી 13 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહ ઉજવી સંસ્કૃતમય વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો હાથ ધરાશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં જન માનસમાં પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીનતમ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન તેમજ જતન-સંવર્ધન માટે યોજના પંચકમ લોંચ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠકમાં તેમણે બોર્ડના લોગોનું અનાવરણ પણ શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ ડો. હિમાંજય પાલીવાલની ઉપસ્થિતિમાં કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “વિરાસત ભી, વિકાસ ભી”નો મંત્ર આપ્યો છે. આ મંત્રને આપણી પ્રાચીન ભાષા સંસ્કૃતના સમાયાનુકૂળ સંવર્ધન અને પ્રચાર-પ્રસારથી પાર પાડવા રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના 2020માં કરેલી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષા અને સાહિત્યનો વ્યાપક પ્રચાર થાય અને આ પ્રાચીન ભાષા જન-જન સુધી પહોંચે તેવા હેતુસર સંસ્કૃત સપ્તાહોત્સવ, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, સંસ્કૃત પ્રોત્સાહન યોજના અને શ્રીમદ્ ભગવત ગીતા યોજના તથા શત સુભાષિત કન્ઠ પાઠ યોજના એમ યોજના પંચકમ્ પ્રથમ ચરણમાં લોંચ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad Air India flight : મોટી ઘાત ટળી.. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ; મુસાફરો અટવાયા..
આ યોજના પંચકમ્ માં જે પાંચ યોજનાઓ સમાવિષ્ટ છે. તેમાં સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના અન્વયે તા. ૬/૮/૨૦૨૫ થી તા. ૧૩/૮/૨૦૨૫ ના સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અન્ય સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવશે.સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બને તેવા પ્રયત્નો કરવામાં આવશે. દર વર્ષે શ્રાવણ સુદ પૂનમ (રક્ષાબંધન) ને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે તા. ૯/૮/૨૦૨૫ને શનિવારના રોજ સંસ્કૃત દિવસ છે તેના ઉપલક્ષ્યમાં આ સપ્તાહ ઉજવાશે.
સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના : સંસ્કૃતભાષા અને સાહિત્યના પ્રચાર પ્રસાર માટે કાર્યશાળા, સંમેલન, પ્રશિક્ષણ, નવાચાર, સમારોહ, સંશોધન જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે દરખાસ્ત કરનાર સંસ્થાને બોર્ડ જરૂરી નાણાકીય સહાય કરશે.
સંસ્કૃત પ્રોત્સાહન યોજના : જે માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ માં નોંધાયેલી સંખ્યા ૧૦૦થી ઉપર હોય તેવી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી તમામ વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરે તો બોર્ડ દ્વારા જેતે સંસ્થાને નાણાંકીય સહાય આપવામાં આવશે.
શ્રીમદ ભાગવદ ગીતા યોજના : આ યોજના અંતર્ગત ગુજરાતના અબાલવૃદ્ધ સૌ વૈશ્વિકગ્રંથ શ્રીમદ્ ભગવદગીતાથી પરિચિત થાય તે માટે પ્રયત્ન હાથ ધરાશે.
શત સુભાષિત કન્ઠ પાઠ યોજના : માનવીય મુલ્યોના નૈતિક વિકાસ માટે ૧૦૦ સુભાષિત લોક સમુદાયમાં ઉત્તમ નાગરિક ઘડતર માટે મુકવામાં આવશે.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ બોર્ડની પ્રવૃત્તિઓનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારની સંસ્કૃત સંબંધિત નીતિઓ અને યોજનાઓના અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે કાર્યરત આ બોર્ડની પ્રવૃત્તિઓના વ્યાપ અને ભવિષ્યલક્ષી આયોજનો અંગે પણ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર, શિક્ષણ અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર, નાણાં વિભાગના અગ્ર સચિવ શ્રી ટી નટરાજન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી દિલીપ રાણા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી પંડ્યા તેમજ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.