News Continuous Bureau | Mumbai
Gujarat Renewable Energy :
- છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યની રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદન ક્ષમતા ૧૫,૪૦૦ મેગાવોટથી વધારી ૩૨,૯૨૪ મેગાવોટ કરવામાં આવી: ઊર્જા મંત્રીશ્રી
- વર્ષ ૨૦૭૦ સુધીમાં દેશનું કાર્બન ઉત્સર્જન ઝીરો કરવામાં રિન્યૂએબલ એનર્જી સ્રોતો મારફત ૧૦૦ ગીગાવોટ વીજ ઉત્પાદનનું ગુજરાતનું લક્ષ્ય: મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ
રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ગ્રાહકોને અપાયેલી વીજરાહત અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વર્ષ-૨૦૨૪ દરમિયાન રાજ્યમાં બે વખત વીજદરોમાં ઘટાડો કરવામાં આવતાં વીજગ્રાહકોને કુલ સરેરાશ રૂ. ૨૦૦૪ કરોડની રાહત આપવામાં આવી છે. આ અંગેની વિગતો આપતાં ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા દર ત્રણ મહિને રાજ્યમાં જે પ્રમાણમાં વીજ ઉત્પાદન થાય, તેની સામે થયેલા ખર્ચની ગણતરી કરીને તે મુજબ ફ્યૂઅલ ચાર્જ નિયત કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સમગ્ર દેશમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સોલાર અને વિન્ડ એનર્જીમાં અગ્રસ્થાને છે. છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યની કુલ રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદન ક્ષમતા ૧૫,૪૦૦ મેગાવોટથી વધીને ૩૨,૯૨૪ મેગાવોટ કરવામાં આવી છે. શ્રી દેસાઈએ કહ્યું કે દેશમાં વર્ષ ૨૦૭૦ સુધીમાં કાર્બન ઉત્સર્જન ઝીરો કરવા માટે રિન્યૂએબલ એનર્જી સ્રોતો મારફત ૫૦૦ ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું આયોજન છે. જેમાં ગુજરાતનું પણ ૧૦૦ ગીગાવોટ રિન્યૂએબલ વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Nayara Energy Gujarat govt : CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે MOU સંપન્ન થયા
મંત્રીશ્રીએ ઉમેર્યું કે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન બે વખત વીજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ની અસરથી યુનિટદીઠ ૫૦ પૈસા, જ્યારે તા. ૧ ઑક્ટોબર, ૨૦૨૪થી ૪૦ પૈસા એમ બે વખત ઘટાડો કરવામાં આવતાં વર્ષ-૨૦૨૪માં વીજગ્રાહકોને કુલ રૂ. ૨૦૦૪ કરોડની સરેરાશ રાહત આપવામાં આવી છે. વીજ નિયમન પંચ દ્વારા આગામી સમીક્ષા ન થાય, ત્યાં સુધી રાજ્યના ૧ કરોડ ૫૦ લાખ વીજગ્રાહકો માટે આ ઘટાડો લાગુ રાખવામાં આવશે.
આ ઘટાડાથી વર્ષ ૨૦૨૪ દરમિયાન મોરબી જિલ્લાના ૩,૦૨,૪૧૦ વીજગ્રાહકોને કુલ રૂ. ૧૮૯.૫૪ કરોડની રાહત આપવામાં આવી છે. જ્યારે પાટણ જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૪,૧૨,૧૯૩ વીજગ્રાહકોને ૨૧.૬૫ કરોડની રાહત આપવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
રાજ્યના બીપીએલ કાર્ડ ધારકોને વીજબિલના દરોમાં અપાતી રાહત અંગે ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે અન્ય રહેણાક વિસ્તારોના વીજ ગ્રાહકોની સરખામણીએ બીપીએલ કાર્ડધારકો માટે વીજદરો ઓછા હોય છે. જે મુજબ રહેણાક વિસ્તારના ગ્રાહકો માટે ફિક્સ્ડ ચાર્જ રૂ. ૧૫ થી ૭૦ છે, જ્યારે બીપીએલ કાર્ડધારકો માટે ફિક્સ્ડ ચાર્જ રૂ. ૫ છે. આ જ પ્રકારે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ ૫૦ યુનિટદીઠ ચાર્જ રૂ. ૨.૬૫, જ્યારે શહેરી વિસ્તારોમાં પ્રથમ ૫૦ યુનિટના રૂ. ૩.૦૫ની સરખામણીએ બીપીએલ કાર્ડધારકો માટે પ્રથમ ૫૦ યુનિટ દીઠ રૂ. ૧.૫૦ લેખે વીજ ચાર્જ આકારવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.