ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જાન્યુઆરી 2022
શુક્રવાર
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. દરરોજ કોરોનાના કેસ નવા-નવા રેકોર્ડ બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 24,485 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 13 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,310 લોકોએ કોરોનાને માત આપી છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10199 લોકોના મૃત્યુ થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 10 લાખ અને એક્ટિવ કેસનો આંકડો 1 લાખને પાર થયો છે.
કોરોનાના દૈનિક કેસો વધતા રાજ્યમાં એક્ટિવ કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે. 9મી જાન્યુઆરીએ રાજ્યમાં 27,913 એક્ટિવ કેસ હતા. જે 19 જાન્યુઆરીએ 90,700થી પણ વધુ થઈ ગયા. આમ માત્ર 10 જ દિવસમાં 62 હજાર એક્ટિવ કેસો વધી ગયા. જે 324 ટકાનો વધારો કહી શકાય. આ પહેલા 1લી જાન્યુઆરીના રોજ રાજ્યમાં માત્ર 3927 એક્ટિવ કેસ હતા.
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કોરોનાના એક્ટિવ કેસોની વાત કરીએ તો આ ચારેય જિલ્લાઓમાં કુલ મળીન 71 હજારથી પણ વધુ એક્ટિવ કેસો છે. અમદાવાદની સ્થિતિ તો એવી છે કે સુરત, વડોદરાને છોડીને અન્ય તમામ 30 જિલ્લા રહેલા એક્ટિવ કેસ કરતા પણ વધુ એક્ટિવ કેસ અહીં છે. એટલે કે અમદાવાદ, સુરત અને વડોદરાના છોડીના રાજ્યના 30 જિલ્લાઓમાં 24,864 એક્ટિવ કેસ છે, જેની સામે એકલા અમદાવાદમાં જ 31 હજારથી વધુ એક્ટિવ કેસ છે.
કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં રોજે રોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાતા હતા. જોકે હવે આવી જ સ્થિતિ કોરોનાની ત્રીજી લહેરમાં અમદાવાદમાં જોવા મળી રહી છે. હાલમાં મુંબઈમાં 31,856 એક્ટિવ કેસ છે. જ્યારે અમદાવાદમાં 31,870 એક્ટિવ કેસ છે, જે મુંબઈ કરતા પણ વધારે છે.