News Continuous Bureau | Mumbai
Gujarat Solar Project :
- પ્રથમ તબક્કામાં ૫૦ કિલોવોટથી વધુ ક્ષમતાવાળા લોકેશનને પ્રાથમિકતા
- સોલાર પાવર પ્રોજેક્ટ: રાજ્યની નગરપાલિકાઓ માટે આત્મનિર્ભર ઊર્જા ઉત્પન્ન કરવાનો પ્રયાસ
- રાજ્યની તમામ નગરપાલિકાઓમાં વીજ ખર્ચ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ગ્રીન એનર્જી વધારવા સરકાર કટિબદ્ધ :-મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
- સોલાર ઉર્જા દ્વારા નગરપાલિકાઓના વીજ બિલમાં ઘટાડો: પ્રથમ તબક્કામાં ૫૦ કિલોવોટથી વધુ ક્ષમતાવાળા લોકેશનને પ્રાથમિકતા
- સોલાર પાવર પ્રોજેક્ટમાં રાજ્યની કુલ ૮૦ નગરપાલિકાઓ પૈકી “અ” વર્ગની ૩૧, “બ” વર્ગની ૨૦, “ક” વર્ગની ૨૫ તથા “ડ” વર્ગની ૪ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે
ગુજરાત વિધાનસભામાં બારેજા નગરપાલિકાના પંપીંગ સ્ટેશન ખાતે સૌર ઉર્જાથી વીજળી પૂરી પાડવા સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, બારેજા નગરપાલિકા તરફથી કુલ ૧૩ સ્થળો પર સોલાર પ્લાન્ટ સ્થાપવા માટેની રજુઆત મળેલ હતી. જેમાં ૮-ટયુબવેલ, ૪-પમ્પીંગ સ્ટેશન, ૧-STPનો સમાવેશ થાય છે.
બારેજા નગરપાલીકાના મહિજડા પાટીયા એસ.ટી.પી. ખાતે ૯૯ કિલોવોટ ક્ષમતાના રૂ. ૮૬.૨૧ લાખના ખર્ચે સોલાર પાવર પ્રોજેક્ટના પ્રસ્થાપનની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે કામગીરી તા. ૩૧.૦૩.૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
આ પ્રોજેક્ટ થકી વાર્ષિક ૧,૪૪,૦૦૦ યુનિટ વીજળી ઉત્પન્ન થવાનો અંદાજો છે.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના (SJMMSVY) હેઠળ રાજ્યના શહેરોમાં પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના અસરકારક અને કાર્યક્ષમ અમલીકરણ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા ગુજરાત શહેરી વિકાસ કંપની લિ. દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત ગંદા પાણીના શુદ્ધિકરણ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું તથા પાણી પુરવઠા યોજનામાં પીવાના પાણી શુધ્ધીકરણ માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પંપીંગ સ્ટેશન વગેરેના સંચાલનમાં વીજ વપરાશ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, જે નગરપાલિકાઓના જંગી રકમના વીજ બીલથી ખુબ જ આર્થિક ભારણમાં પરિણમે છે. આ સમસ્યાને પહોંચી વળવા, ગુજરાત રાજ્યની નગરપાલીકાઓ આત્મનિર્ભર બની શકે તથા તમામ યોજનાઓ સ્વંયમ સંચાલિત થઈ શકે તે માટે સરકારશ્રી દ્વારા STP, WTP, Pumping Station, વોટર વર્કસ/નગરપાલિકા માલિકીના બાંધકામ ક્ષેત્રના પરિસરમાં સોલાર પ્લાન્ટ દ્વારા વીજ ઉત્પાદન કરીને બાહ્ય વીજ વપરાશને ઓછો કરવા માટે સરકારશ્રી દ્વારા સોલાર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Gujarat Solar Project : ગુજરાત શહેરી વિકાસ કંપની લિ. (GUDC) – નોડલ એજન્સી
“આત્મનિર્ભર ગુજરાત મિશન” હેઠળ આ પ્રોજેક્ટના અમલીકરણ માટે ગુજરાત શહેરી વિકાસ કંપની લિ.ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. જે રાજ્યની નગરપાલિકાઓના STPs / WTPs / પમ્પિંગ સ્ટેશનો/ અન્ય નગરપાલિકાઓના માલિકી હેઠળના સ્થળો ઉપર સ્વર્ણિમ જ્યંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના (SJMMSVY) હેઠળ સોલાર પાવર પ્રોજેક્ટનું અમલીકરણ કરશે. GUDC દ્વારા અત્યાર સુધી ૧૩.૩૯ મેગાવોટની ક્ષમતાના ૧૦૪ સોલાર પ્રોજેક્ટ રૂ. ૯૪.૪૬ કરોડના ખર્ચે સફળતાપૂર્વક પૂર્ણ કરાયા છે, જેના થકી નગરપાલિકાઓને વાર્ષિક અંદાજીત રૂ. ૧૩ કરોડનો વીજ બીલમાં ફાયદો થશે.
Gujarat Solar Project : પ્રથમ તબક્કામાં ૫૦ કિલોવોટથી વધુ ક્ષમતાવાળા લોકેશનને પ્રાથમિકતા
નગરપાલિકાઓ પર આવતું આર્થિક ભારણ હળવું કરવા ગુજરાત સરકાર દ્વારા ગ્રીન એનર્જી (સોલાર) નો ઉપયોગ કરી સંચાલન કરવાના હાથ ધરાયેલ નવતર પ્રયોગ હેઠળ પ્રથમ તબક્કામાં, ૫૦ કિલોવોટથી વધુ વીજ વપરાશ ધરાવતા સ્થળોને લોકેશન આઈડેન્ટીફાઈ કરીને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેના થકી રીટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટનો સમયગાળો પણ મર્યાદિત રહેશે. રાજ્ય સરકાર દ્વારા ૧૯૪ ફિઝિબલ સ્થળો પર કુલ ૨૩.૩૩ મેગાવોટની ક્ષમતાના રૂ. ૧૬૩.૮૭ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad Metro: અમદાવાદમાં IPLની મેચ જોવા જતાં લોકો માટે સારા સમાચાર, મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર; સ્પેશ્યલ ટિકિટ આટલા રૂપિયામાં મળશે
સોલાર પાવર પ્રોજેક્ટમાં ગુજરાત રાજ્યની કુલ ૮૦ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે, જેમાં “અ” વર્ગની ૩૧, “બ” વર્ગની ૨૦, “ક” વર્ગની ૨૫ તથા “ડ” વર્ગની ૪ નગરપાલિકાઓ સમાવિષ્ટ છે.
Gujarat Solar Project : વિશિષ્ટ યોજનાઓ અને ભવિષ્યની કામગીરી
માર્ચ ૨૦૨૬ સુધીમાં વધુ ૯.૯ મેગાવોટના સોલાર પ્રોજેક્ટ સ્થાપી, વાર્ષિક અંદાજીત રૂ. ૯ કરોડનો વીજ બચાવ થશે.
આ પ્રોજેક્ટ અમલમાં આવવાથી ૮૦ નગરપાલિકાઓને પ્રતિવર્ષ રૂ. ૨૩ કરોડથી વધુની બચત થવાની સંભાવના.
બાકી રહેલ નગરપાલિકાઓની વીજ ડિમાન્ડ માટે કેન્દ્રિય ધોરણે કેપ્ટિવ યુઝ હેઠળ કેપ્ટિવ યુઝ અંતર્ગત મોજે. કલમસર, ખંભાત તાલુકા, જિલ્લો આણંદ ખાતે ૧૫૦ મેગાવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટમાં સમાવેશ કરી જે-તે નગરપાલિકાના વીજ બીલની સાપેક્ષમાં સોલાર જનરેશનનો લાભ આપવાનું સરકારશ્રીનું આયોજન છે જેનું ડી.પી.આર બનાવવાનું કામ પ્રગતી હેઠળ છે. આ યોજનાથી ગુજરાતની નગરપાલિકાઓ આત્મનિર્ભર બનશે અને ગ્રીન એનર્જી તરફ એક મોટું પગથિયું ભરી શકશે.
Gujarat Solar Project : યોજનાના અમલીકરણ માટેની પ્રક્રિયા
નગરપાલિકા RCM કચેરીના અભિપ્રાય સાથે દરખાસ્ત GUDCમાં સબમિટ થાય છે
GUDC દ્વારા એમ્પેનલ્ડ DPR કન્સલટન્ટને ફિઝિબિલિટી ચકાસણી માટે વર્ક ઓર્ડર આપવામાં આવે છે.
DPR કન્સલટન્ટ દ્વારા રિપોર્ટ જમા કરાતા, સૂચિત શેડો-ફ્રી ફિઝિબલ લોકેશન માટે સરકારશ્રીમાં સૈધાંતિક મંજૂરી માટે દરખાસ્ત રજુ થાય છે.
મંજૂરી મળ્યા બાદ GUDC દ્વારા વહીવટી અને તાંત્રિક મંજૂરી મેળવી ઈ-ટેન્ડર દ્વારા એજન્સી નીમવામાં આવે.
નિમણુંક બાદ ૫ વર્ષ માટે એજન્સીને મરામત અને નિભાવણીની કામગીરીની જવાબદારી આપવામાં આવે છે.
ટેન્ડર શરતો મુજબ, એજન્સી માટે ગેરન્ટેડ જનરેશનની શરત લાગુ હોય છે, જે ન પાળતા એજન્સીને પેનલ્ટી લાગુ પડે છે.
PMC, TPI અને GUDC PIU સુપરવિઝન હેઠળ તમામ કામગીરીની ગુણવત્તા સુનિશ્ચિત થાય. જેથી કામગીરીની ગુણવત્તાની તમામ જરૂરી ચકાસણી સુનિશ્ચિત થઈ શકે. આ પ્રક્રિયાથી પ્રોજેક્ટ સુચારૂ અને અસરકારક રીતે અમલમાં આવી શકે.
Gujarat Solar Project : GUDC દ્વારા ૫૦ કિલોવોટથી મોટા પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવાનું કારણ
ઓછી વીજ ડિમાન્ડ ધરાવતા સ્થળોએ સોલાર પ્લાન્ટ સ્થાપવાથી રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ (ROI) નો સમયગાળો લાંબો બની જાય છે, જે પ્રોજેક્ટની આર્થિક વ્યવહારૂતા માટે અનુકૂળ નથી. નાના વિજ ડિમાન્ડ વાળા સ્થળો માટે કેન્દ્રીય ધોરણે એક સોલાર પ્લાન્ટ સ્થાપીને નગરપાલિકાને તેમની વીજ ડિમાન્ડના અનુરૂપ લાભ આપવાનો સરકારશ્રીનો અભિપ્રાય છે. આ રીતે, ઉચ્ચ ક્ષમતાના સોલાર પ્રોજેક્ટ્સ વધુ અસરકારક બની શકે અને લાંબા ગાળે નગરપાલિકાઓ માટે વધુ લાભદાયી સાબિત થશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.