News Continuous Bureau | Mumbai
Gujarat Tourism: ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૨૭ સપ્ટેમ્બરે ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ગુજરાતનો પ્રવાસન, બિઝનેસ, રોજગારી, આધ્યાત્મિક તેમજ ઔદ્યોગિક રોકાણ સહિત તમામ ક્ષેત્રે ૩૬૦ ડિગ્રી વિકાસ થયો છે જેની નોંધ આજે સમગ્ર વિશ્વ લઇ રહ્યું છે. વર્તમાનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકાસની આ શ્રૃંખલાને અવિરત આગળ ધપાવી રહ્યા છે ત્યારે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા પસંદગીનું રાજ્ય બન્યું છે. રાજ્યમાં ગત વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૧૮.૫૯ કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા છે તેમ,પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.
પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈએ ગુજરાતની ( Gujarat ) મુલાકાતે આવેલા પ્રવાસીઓ અંગે વિગતવાર માહિતી આપતા કહ્યું હતું કે, સુરક્ષા અને શાંતિ માટે ઓળખાતા ગુજરાતની વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કુલ ૧૮.૫૯ કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, આમાં ૧૭.૫૦ કરોડ સ્થાનિક પ્રવાસીઓ ( Tourists ) તેમજ ૨૩.૪૩ લાખ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જેમાં ૧૧.૩૮ કરોડથી વધુ પ્રવાસીઓએ એક દિવસ માટે જ્યારે ૭.૨૧ કરોડથી વધુ પ્રવાસીઓએ રાત્રિરોકાણ કર્યું હતું. જે ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ૧૪.૯૮ કરોડ હતી એટલે કે, ગયા વર્ષની સરખામણીએ વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ૨૪.૦૭ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.
પ્રવાસન મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ભારતભરમાંથી મુખ્યત્વે ધાર્મિક, બિઝનેસ, હેરિટેજ અને લીઝર એટલે કે પોતાના વ્યસ્ત જીવનમાંથી આનંદ માણવા, અને એમ ચાર ક્ષેત્રે રસ ધરાવતા પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે.
મંત્રી મુળુભાઈએ જણાવ્યું હતું કે, ધાર્મિક પ્રવાસન ( Religious tourism ) ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે ત્યારે દેશભરમાંથી સૌથી વધુ ૧.૬૫ કરોડ માઈ ભક્તોએ અંબાજી ખાતે માં અંબાના દર્શનનો લાભ લીધો છે. જ્યારે દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મંદિર ખાતે ૯૭.૯૩ લાખ, દ્વારકા ખાતે ૮૩.૫૪ લાખ, મહાકાળી મંદિર પાવાગઢ ખાતે ૭૬.૬૬ લાખ તેમજ ડાકોર ખાતે ૩૪.૨૨ લાખ એમ કુલ મળીને ૪૫૭.૩૫ લાખ પ્રવાસીઓએ દર્શનનો લાભ લીધો છે. જ્યારે બિઝનેસના હેતુથી સૌથી વધુ અમદાવાદમાં ૨.૨૬ કરોડથી વધુ જ્યારે સુરતમાં ૬૨.૩૧ લાખ, વડોદરામાં ૩૪.૧૫ લાખ, રાજકોટમાં ૧૮.૫૯ લાખ અને ભરૂચમાં ૧૭.૭૨ લાખ એમ કુલ ૩૫૮.૭૭ લાખ પ્રવાસીઓએ મુલાકાત કરી હતી.
લીઝર એટલે કે વ્યસ્ત જીવનમાંથી આનંદ માણવા અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પર ૭૯.૬૭ લાખ, સાબરમતી રિવરફ્રન્ટની ૪૪.૭૬ લાખ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૪૩.૫૨ લાખ ,સાયન્સ સિટીની ૧૩.૬૦ લાખ તેમજ ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાની ૧૧.૩૯ લાખ એમ મળીને કુલ ૧૯૨.૯૬ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.આજ રીતે હેરીટેજ એટલે કે, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસામાં ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે. જેના ભાગરૂપે ઐતિહાસિક શહેર વડનગરની ૬.૯૩ લાખ, પોરબંદર ખાતે આવેલા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ એવા કીર્તિ મંદિરની ૪.૦૬ લાખ, ગાંધીનગર ખાતે સ્થિત અડાલજ વાવની ૩.૮૬ લાખ, યુનેસ્કોની યાદીમાં વૈશ્વિક વારસામાં સ્થાન પામેલ પાટણમાં રાણી કી વાવની ૩.૮૩ લાખ, તેમજ એકમાત્ર સૂર્ય મંદિર મોઢેરાની ૩.૮૧ લાખ એમ મળીને કુલ ૨૨.૪૯ લાખ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત ( Gujarat Visit ) લીધી હતી જે ગુજરાત અને ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.
આ સમાચાર પણ વાંચો : TRAI: TRAIએ SMS ટ્રાફિક માટે વ્હાઇટલિસ્ટેડ URLs, APKS અથવા OTT લિંક્સને કર્યાં અનિવાર્ય
ગુજરાત રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને વધુને વધુ વેગ મળે અને ગુજરાત રાજ્યમાં આવતા પ્રવાસીઓને પ્રવાસનક્ષેત્રને વધુ વિકલ્પ મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા નવા પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવ્યા છે, જેમ કે બોર્ડર ટુરિઝમ તરીકે -નડાબેટ અને કચ્છના સરક્રિક ખાતે સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ, ડાયનોસોર ફોસીલ પાર્ક-બાલાસિનોર, પોરબંદરના મોકરસાગર ખાતે વેટલેન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, બેટ-દ્વારકા ખાતે ટુરિસ્ટ ફેસીલીટી નો વિકાસ, ધરોઇ ડેમનો વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકાસ, ગુજરાતની ઓળખ સમા એશિયાટિક લાયનના વિસ્તાર એવા ગીરની આસપાસના સ્થળોને આવરી લઈને ગ્રેટર ગીર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અને બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુરને વૈશ્વિક
કક્ષાના બીચ તરીકે વિકસાવવાના કામો હાલ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ, તેમણે ઉમેર્યું હતું.
આમ રાજ્ય સરકાર ( Gujarat Government ) દ્વારા ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગના વિકાસને સતત વેગ આપવાથી દેશ-વિદેશના પ્રવાસીઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જેના પરિણામે આ વિસ્તારોમાં સ્થાનિક રોજગારીનું પ્રમાણ વધ્યું છે જેનો સીધો લાભ રાજ્યના નાગરિકોને મળી રહ્યો છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Sanjay Raut Defamation Case:ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતની મુશ્કેલી વધી, માનહાનિ કેસમાં કોર્ટે સંભળાવી સજા; આટલા હજારનો દંડ પણ ફટકાર્યો..