ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ગણેશચતુર્થી દસ દિવસનો તહેવાર છે, જે દર વર્ષે હિન્દુ કૅલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનામાં ઊજવવામાં આવે છે. આ વર્ષે દેશભરમાં ઘણી રસપ્રદ અને અનોખી ગણેશ મૂર્તિઓ બનાવવામાં આવી છે. આપણે આજે ગુજરાતની એક મહિલાએ ખોરાકના બગાડ અંગે મહત્ત્વનો સંદેશ આપવા માટે ફૂડ પૅકેટથી શણગારેલી ગણેશ મૂર્તિ બનાવી છે તેની વાત કરીશું.
રાધિકા સોની એ મહિલા છે, જે આ રસપ્રદ ખ્યાલ લઈને આવી છે. તેમણે બિસ્કિટનાં 1008 પૅકેટ અને 850 રુદ્રાક્ષથી 5 ફૂટ ઊંચું શિવલિંગ બનાવ્યું અને તેના કેન્દ્રમાં ગણપતિબાપાની મૂર્તિ સ્થાપી. બંને બાજુએ વડોદરા સ્થિત બે સંસ્થાઓનાં બૅનરો લગાડવામાં આવ્યાં છે, જે બચેલા ખોરાકને બગાડથી બચાવવા અને ગરીબોમાં વહેંચવાની દિશામાં આ સંસ્થાઓ કામ કરી રહી છે.
મીડિયામાં સોનીના જણાવ્યા અનુસાર, “ગણેશ મૂર્તિના વિસર્જન બાદ બિસ્કિટના પૅકેટ ગરીબ બાળકોમાં વહેંચવામાં આવશે. ગણેશચતુર્થી પર એક અનોખી મૂર્તિનો વિચાર તેમના અંગત અનુભવ પરથી આવ્યો છે. મારા ઘરે એક ફંક્શન દરમિયાન ઘણું બચેલું ભોજન હતું અને અમને મોટી મુશ્કેલી પછી ચૅરિટી માટે કોઈ મળ્યું. પછી અમે વિચાર્યું કે ખોરાક બગાડ કરવાની વસ્તુ નથી. દરરોજ વિશ્વભરના કુલ ભોજનમાંથી એક તૃતીયાંશ ભોજન વ્યર્થ જાય છે. સંદેશ આપ્યો છે કે ખોરાકનો બગાડ ન કરો.”
તેમણે મોબાઇલ ડેટાનાં ઉદાહરણનો ઉપયોગ કરીને ખોરાકનો બગાડ અટકાવવાનું મહત્ત્વ સમજાવ્યું કે, "જો આપણે આપણા મોબાઇલ ડેટાની સમયસીમા સમાપ્ત થાય તે પહેલાં તેનો ઉપયોગ કરી શકીએ, તો શું આપણે તેવું જ આપણા ખોરાક સાથે ન કરવું જોઈએ?" ખોરાકનો બગાડ વિશ્વભરમાં પ્રાસંગિક સમસ્યા છે. ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ રિપૉર્ટ 2021 મુજબ માનવામાં આવે છે કે ભારતીય ઘરોમાં દર વર્ષે પ્રતિ વ્યક્તિ 50 કિલો ખોરાક ફેંકવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે લુધિયાણાના એક બેકરે 200 કિલો ચૉકલેટમાંથી ગણેશની વિશાળ મૂર્તિ બનાવી છે.