ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022
શનિવાર
અંગ્રેજી ભાષાના ચલણ વચ્ચે ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે એક ખાસ પરિપત્ર બહાર પાડયો છે. જેમાં રાજ્યની તમામ સરકારી કચેરીઓ-વિભાગો સાર્વજનિક સ્થળો અને ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળો પર ગુજરાતી ભાષામાં બોર્ડ અને માહિતી રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કે આ નિર્ણય રાજ્યના 8 મહાનગરોમાં અમલી બનશે. જેમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે.
રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના પરીપત્રમાં સ્પષ્ટપણે જણાવાયુ છે કે, રાજ્યના આ આઠ શહેરોના સાર્વજનિક સ્થળોએ જાહેરાત, સૂચના, દિશા-નિર્દેશ અને માહિતીના બોર્ડમાં હિન્દી અને અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે. આ સિવાય સરકારી પરિસરોની જેમ ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળો જેવા કે રેસ્ટોરાં, સિનેમા હોલ, શાળા, કૉલેજ, સુપર માર્કેટ, મોલ્સ, હોસ્પિટલ, કૉફી શૉપ, પુસ્તકાલયમાં સૂચના અને માહિતીના બૉર્ડ હિન્દી અને અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લગાવવાના રહેશે. એટલે કે જાહેર સ્થળોએ ક્યાંય પણ લગાવેલા બોર્ડ પર ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે.
આ ઉપરાંત ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ પણ ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગની સૂચના આપવામાં આવી છે. તમામ મનપા કમિશનરોએ આ બાબતે અમલીકરણ કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે આગામી 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ છે. એ પહેલા લેવાયેલો આ નિર્ણય ગુજરાતી ભાષાનુ ગૌરવ જાળવવા માટેનો એક ઉત્તમ પ્રયાસ છે.