ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 સપ્ટેમ્બર 2020
ગુજરાત સરકારનું જાહેર દેવું હંમેશા ચર્ચામાં હોય છે. આજે સ્થિતિ એવી આવીને ઉભી છે કે રાજ્યના કુલ બજેટ કરતાં જાહેર દેવાની રકમ વધી ગઈ છે. રાજ્યના નાણા વિભાગે વિધાનસભામાં કબુલાત કરી છે કે માર્ચ 2019ના અંતે ગુજરાત સરકારનું જાહેર દેવું 2,40,652 કરોડ રૂપિયા છે. આ દેવું માર્ચ 2020ના અંતે વધીને 2.70 લાખ કરોડ થાય તેવી શક્યતા છે. જો કે જાહેર દેવામાં સરકારને ભરવું પડતું વ્યાજનું ભારણ અસહ્ય બનતું જાય છે. સરકારે સૌથી વધુ બજાર લોન લીધી છે, કારણ કે બજાર લોન 6.68 થી 9.75 ટકાએ મળે છે. રાજ્ય સરકારે 1.79 લાખ કરોડની તો બજાર લોન લીધી છે. અગાઉના વર્ષમાં સરકારે લોનના વ્યાજ પેટે 30,846 કરોડ રૂપિયા અને ગયા વર્ષે 33,564 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. એનએસએસએફ લોન પણ 39,385 કરોડ થવા જાય છે પરતુ તેના વ્યાજનો દર 10.50 ટકા છે. તેથી સરકાર આવી લોન ઓછી લેતી હોય છે. સરકાર પર કેદ્રીય દેવાની રકમ 7,223 કરોડ થાય છે. પરંતુ, તે શૂન્ય ટકા થી 13 ટકા સુધીના વ્યાજે મળતી હોય છે. તેથી સરકારનો મોટો આધાર બજાર લોન પર જ હોય છે. રાજ્યના નાણાં વિભાગે ગુજરાત વિધાનસભામાં લેખિતમાં કબૂલાત કરી છે કે, કેન્દ્રીય લોન પર પાંચ વર્ષમાં 2,184 કરોડની વ્યાજ ચુકવણી કરી છે..