News Continuous Bureau | Mumbai
Harit Van :
હરિત વનના નિર્માણથી આજુબાજુના રહેવાસીઓને શુદ્ધ અને આરોગ્યપ્રદ વાતાવરણ મળશે
હરિત વનથી પ્રતિદિન આશરે ૨૬ ટન ઓક્સિજન હવામાં ફેલાશે: પર્યાવરણ સંરક્ષણ અને જનસુખાકારી માટે હરિત વનનું મહત્વપૂર્ણ યોગદાન:
:- વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
પર્યાવરણ રક્ષણના ઉદ્દેશ સાથે કતારગામના ડભોલી ચાર રસ્તા પાસે જિલ્લા પંચાયતની પડતર જમીન પર જિલ્લા પંચાયત, પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ એસો. તથા કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત પ્રયાસોથી ‘હરિત વન’નું નિર્માણ કરાયું છે. ‘એક પેડ મા કે નામ’ પહેલ હેઠળ ૨૨,૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને ઉભા કરાયેલા હરિતવનનું લોકાર્પણ વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરાયું હતુ.
આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગયા વર્ષે ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરી ૧૪૦ કરોડ દેશવાસીઓને માતાના સ્નેહને શાશ્વત કરવા માટે માતાના નામે વૃક્ષ વાવવા આહવાન કર્યું હતું. ‘માતૃસબંધ’ એ દુનિયાનો સૌથી મૂલ્યવાન સંબંધ હોય છે. માતાના સ્નેહ અને વાત્સલ્યનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી, ત્યારે આ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં ગયા વર્ષે આશરે ૧૬૦ કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ૧૭ કરોડ વૃક્ષો વાવવાના લક્ષ્યને સફળતાપૂર્વક પાર કરી રાજ્યમાં કુલ ૧૮ કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે.
🌿હરિત વન–સૌંદર્ય અને સંરક્ષણ🌳
સુરત જિલ્લા પંચાયત દ્વારા ડભોલી ખાતે ૨૨,૦૦૦ વૃક્ષોથી નિર્મિત હરિત વનનું લોકાર્પણ રાજ્યના વનપ્રધાન શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે થયું. વનથી દૈનિક ૨૬ ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે. કચરા અને ગંદકીથી ભરેલી જમીન સાફ અને હરિયાળી બની.#EkPedMaaKeNaam pic.twitter.com/2H9rI16F3E— District agriculture officer ,surat (@daosurat5) May 31, 2025
વધુમાં વનમંત્રીએ જણાવ્યું કે, કતારગામમાં જિલ્લા પંચાયતની પડતર જમીન કે જ્યાં પહેલાં કચરો નાખવામાં આવતો હતો, તેને સમથળ કરી સાફ સફાઈ થકી હરિત વનમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે, આ પહેલ બદલ જિલ્લા પંચાયત, પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ એસો. તથા કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે, હરિત વનના નિર્માણથી આજુબાજુના રહેવાસીઓને શુદ્ધ અને આરોગ્યદાયક વાતાવરણ મળશે. સાથે સાથે પ્રતિદિન આશરે ૨૬ ટન ઓક્સિજન હવામાં ફેલાશે, જે પર્યાવરણ સંરક્ષણ અને જનસુખાકારીમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પ્રસંગે સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેનશ્રી આર.બી. બારડ, જિ.વિકાસ અધિકારી શ્રીમતિ શિવાની ગોયલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીત, પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખશ્રી કમલવિજય તુલસ્યાન, SGTPAના પ્રમુખશ્રી જિતેન્દ્ર વખારીયા સહિત આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : World No Tobacco Day 2025 : તમાકુને ‘ના’, જિંદગીને ‘હા’, અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ નિષેધ સંદર્ભે અસરકારક કામગીરી કરાઈ
જિલ્લા પંચાયતની પડતર જમીન પર હરિયાળી: ૨૨,૦૦૦થી વધુ વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરીને તૈયાર કરાયું ‘હરિત વન’
ડભોલી ચાર રસ્તા પાસે સ્વામિનારાયણ મંદિરની પાછળ ૨૨,૦૦૦થી વધુ વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિ દ્વારા ૯,૨૮૩ ચોરસ મીટર વિસ્તારમાં વાવેતર કરી ‘હરિત વન’ ઉભું કરવામાં આવ્યું છે. અહીં વડ, પીપળ, લીમડો જેવા વધુ ઓક્સિજન આપતા વૃક્ષો ઉપરાંત ઔષધીય છોડ, દુર્લભ પીળો ખાખરો, જંગલી આંબલી, વિવિધ પ્રકારના વાંસ અને ફૂલો વાવ્યા છે, જેના કારણે જમીન ઝડપથી પુનર્જીવિત થઈ છે.
જ્યાં પહેલા કચરો ફેંકાતો હતો, તે જમીન હવે ગ્રીન બેલ્ટમાં ફેરવાઈ: આસપાસના વિસ્તારોમાં કચરાની દુર્ગંધ અને ગંદકી દૂર થઈ
આ હરિતવનમાં નિર્મિત તળાવથી જળસંચય થશે. જમીનમાં પાણીનું સ્તર ઊંચું આવશે. હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારતા હરિતવનના કારણે આસપાસના લોકો શુદ્ધ હવા અને સ્વસ્થ વાતાવરણમાં શ્વાસ લઈ શકશે. પડતર જમીન ઉપર વૃક્ષ વાવવામાં આવેલા હોવાથી આ જમીન ભવિષ્યના દબાણથી સુરક્ષિત રહેશે, અહીં પક્ષીઓનું આવાગમન વધવાથી વાતાવરણ વધુ રમણીય અને શાંતિમય બન્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.