ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑગસ્ટ, 2021
શનિવાર
બહુચર્ચિત ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ પર બનાવવામાં આવેલા ફ્લાયઓવરના નામકરણના પ્રસ્તાવને હજી મંજૂરી મળી નથી. છતાં પહેલી ઑગસ્ટના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવેલો આ ફ્લાયઓવર પર જોકે હેવી વેહિકલ્સ માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે.
ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ પરના આ ફ્લાયઓવરના નામકરણને લઈને શિવસેના અને ભાજપ સામસામે થઈ ગયાં હતાં. પહેલી ઑગસ્ટના ઉતાવળે ફ્લાયઓવરને મુખ્ય પ્રધાનને હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન દરમિયાન જ મુખ્ય પ્રધાને રસ્તાની ગુણવત્તા સામે સવાલ કર્યા હતા તેમ જ ફ્લાયઓવર પરનો રસ્તો અસમતોલ હોવાથી એની ગુણવત્તા સુધારવાની સલાહ પણ આપી હતી. ઉદ્ઘાટન બાદ પાલિકાએ ફ્લાયઓવર ટ્રાફિક માટે ખુલ્લો તો મૂકી દીધો, પણ ફ્લાયઓવરના રસ્તાની હાલતને જોતાં હાલ એના પર પ્રવેશ ફક્ત હળવાં વાહનોને જ આપ્યો છે.
હાઉસિંગ સોસાયટી માટે મોટા સમાચાર : હવે ફાયર ઓડિટ રિપોર્ટ એપ્લિકેશન પર.
અહીં ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ સુધી આ ફ્લાયઓવરનું કામ રખડી પડ્યું હતું. ત્યાર બાદ પુલ તૈયાર થઈ જતાં એને ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો છે. હાલ ભારે વાહનોને પ્રવેશ નથી. આ ફ્લાયઓવરની એક બાજુ દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ તરફ ઊતરે છે. દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરો લઈને જતાં પાલિકાના ઘનકચરા ખાતાનાં ટ્રક અને ડમ્પર માટે ખાસ ફ્લાયઓવરની આ સગવડ ઊભી કરવામાં આવી હતી, પરંતુ ભારે વાહનો માટે ફ્લાયઓવર જ બંધ કરી દેવામાં આવ્યો છે.
ફ્લાયઓવરના કામની ગુણવત્તા સામે ખુદ મુખ્ય પ્રધાને સવાલ કરતાં ભાજપ ફરી એક વખત આ મુદ્દા પર શિવસેનાની સામે થઈ ગયો છે. ભાજપના પાલિકાના નેતાના કહેવા મુજબ ફ્લાયઓવર પરનો રસ્તો અસમતોલ છે. ભારે વરસાદ દરમિયાન એના પર ખાડા પડવાની પણ શક્યતા છે. ફ્લાયઓવરનું કામ કરનારા કૉન્ટ્રૅક્ટરથી આ કામ પૂરું કરવામાં વિલંબ થયો હતો. એથી ખર્ચમાં પણ બમણો વધારો થયો હતો. એથી મુખ્ય પ્રધાને રસ્તાની ગુણવત્તા સામે શંકા વ્યક્ત કરી છે. આ પૂરા પ્રકરણની તપાસ થવી જોઈએ તેમ જ કામમાં વિલંબ કરનારા કૉન્ટ્રૅક્ટર સામે દંડાત્મક પગલાં લેવાની માગણી પણ ભાજપે કરી છે.
મુંબઈ શહેરમાં ફરી એક વખત ધમકીભર્યા ફોનનો સિલસિલો ચાલુ થયો. આ જગ્યાઓ પર સુરક્ષા વધારવામાં આવી.