ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
3 જુન 2020
આજ સવારથી મુંબઈ શહેરમાં ક્યાંક મુશળધાર વરસાદ તો કયાંક છુટા છવાયા ઝાપટા પડી રહ્યા છે. બીજી બાજુ પવનના સૂસવાટા થી વાતાવરણ ધૂંધળું બન્યું છે. જોકે ઝાડ, થાંભલા પડવા કે કશે પણ કોઈ ગમખ્વાર ઘટના જોવા નથી મળી અને આમ એકંદરે મુંબઈમાં અને પરા વિસ્તારમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રહે એ માટે ધારા 144 એટલે કે કરફ્યુ, મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યું છે. દરિયાકાંઠે વસતા એક લાખથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જ્યારે કામ ચલાઉ ઉભા કરાયેલા કોવિડ સેન્ટરમાં ભરતી થયેલા કોરોના ના દર્દીઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હવામાન ખાતાનું કહેવું છે કે બપોરે એક વાગ્યાની આસપાસ નિસર્ગ નામનું વાવાઝોડું અલીબાગ પર ત્રાટકવાની સંભાવના છે અને તેની તીવ્ર અસર મુંબઈ પર દેખાશે, આથી જ મુંબઈગરાઓ ને તમામ જરૂરી સલામતી પગલાં લેવાની સરકાર અને હવામાન ખાતા દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
આમ અરબ સાગરમાં લો પ્રેશર ને કારણે આ વાવાઝોડાની અસર મુંબઈમાં થાણા, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ એમ પાંચ જિલ્લાઓમાં થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આજથી 129 વર્ષ પહેલાં 1891 માં મુંબઈએ ચક્રવાતનો સામનો કર્યો હતો..