ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જુલાઈ, 2021
બુધવાર
મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરીપદેથી રિટાયર્ડ થયેલા અને મહારેરાના અધ્યક્ષ અજોય મહેતાએ ખરીદેલા ઘરને કારણે તેઓ ફરી એક વખત વિવાદમાં આવી ગયા છે. મંત્રાલય પાસે સાડાપાંચ કરોડ રૂપિયામાં ખરીદી કરેલા આ ઘરના આર્થિક વ્યવહાર પર ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે સવાલ ઉપસ્થિત કર્યા છે. ઘર ખરીદીમાં બેનામી વ્યવહાર થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
અજોય મહેતાએ મંત્રાલય પાસે 1076 ચોરસ ફૂટનું ઘર 5 કરોડ 33 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું. અનામિત્રા પ્રૉપર્ટી નામની કંપનીના માધ્યમથી ઘર ખરીદ્યું છે. આ કંપનીના બે પાર્ટનર છે, જેમાં તેમના ઘરનું ઍડ્રેસ મુંબઈની એક ચાલીનું બતાવવામાં આવ્યું છે. આ કંપનીએ ચાર કરોડ રૂપિયામાં ઘર ખરીદ્યું હોવાનું બતાવ્યું છે.
કંપનીના બે પાર્ટનર અલ્પ આવક ધરાવતા લોકોમાં આવે છે. તેઓ આટલું મોંઘું ઘર ખરીદી કરી શકે એમ ન હોવાનું ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે. એટલે જ તેમને આ ઘરના વ્યવહારમાં બેનામી વ્યવહાર થયો હોવાની શંકા થઈ છે. 7 જુલાઈના ઇન્કમ ટૅક્સે અનામિત્રા પ્રૉપર્ટીને કારણદર્શક નોટિસ પણ મોકલી હતી. જોકે અજોય મહેતાએ આ તમામ આરોપ ફગાવી દીધા હતા.