ગુજરાતના તાપી જિલ્લામાં આવેલું ૫૦૦ વર્ષની આયુ ધરાવતું આ વૃક્ષ આજે પણ છે અડીખમ, બન્યું પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર.. જુઓ તસવીરો જાણો વિગતે…   

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

 દક્ષિણ ગુજરાત એટલે ગાઢ જંગલોનો પ્રદેશ. અહીં અનેક જાતની ઔષધીય મૂલ્ય ધરાવતી વનસ્પતિઓ, નાના છોડ અને વેલ સ્વરૂપે જોવા મળે છે. તાપી જિલ્લાના પ્રખ્યાત પદમડુંગરી ઈકો ટુરિઝમ વિસ્તારમાં ઉનાઈથી ૧૮ કિ.મી. દુર ચુનાવાડી ગામે અંદાજિત 500 વર્ષ જૂનું બહેડાનું તોતિંગ વૃક્ષ આજે પણ અડીખમ ઉભું છે. આ વૃક્ષ જોવા મોટી સંખ્યામાં પદમડુંગરી આવતાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વનવિભાગ દ્વારા તેની યોગ્ય દેખરેખ અને જાળવણી કરવામાં આવે છે.

                ઔષધિય ગુણો ધરાવતા બહેડાનું વૈજ્ઞાનિક નામ Terminalia bellirica અંગ્રેજીમાં Bedda nuts, ગુજરાતીમાં બહેડો, હિન્દીમાં હલ્લા બહેડા,  સંસ્કૃતમાં વિભીદક છે. મહુડાના વૃક્ષ જેવા પાન ધરાવતા બહેડાના વૃક્ષના ફુલ તેમજ ફળ, છાલનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. બહેડાના વૃક્ષો સમગ્ર ભારતમાં જોવા મળે છે. ડાંગ, વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા વિગેરે જિલ્લાઓના જંગલોમાં મહત્તમ જોવા મળે છે. પરંપરાગત ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી વનસ્પતિઓના પાન, ફુલ, છાલ, મૂળ વિગેરે જડીબુટ્ટી તરીકે વિવિધ રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવાય છે. જેની માત્રા ૩ થી ૫ ગ્રામ લેવાની હોય છે.

આ સમાચાર પણ વાંચો : હોળી માટે ઝાડ કાપ્યા તો આવી બનશે, બીએમસી આપી આ ચેતવણી… જાણો વિગતે

                 ઉનાઈ રેન્જ વિસ્તારના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઋચિ દવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની ઉનાઈ રેન્જ સ્થિત પદમડુંગરી ઇકોટુરિઝમ નજીક ચુનાવાડી ગામની સરહદે અંબિકા નદીને કાંઠે અંદાજીત ૫૦૦ વર્ષ જૂનું ગુજરાતનું એકમાત્ર બહેડાનું ખૂબ જ પ્રાચીન વૃક્ષ આવેલું છે. આ મહાકાય વૃક્ષની વન વિભાગ દ્વારા જાળવણી કરવામાં આવી છે. સાત વ્યક્તિઓ એકસાથે હાથ ફેલાવી બાથ ભરે ત્યારે બહેડાના આ કદાવર વૃક્ષના થડને માપી શકાય છે. અહીં અંબિકા નદીનો કાંપ પ્રદેશ હોવાથી ઉનાઈ રેન્જની ૧૨ હજાર હેક્ટર જમીનમાં અનેક દુર્લભ વૃક્ષો જોવા મળ્યા છે. ૮૩૨ સે.મી. પરિઘ ધરાવતા આ બહેડાનું વૃક્ષ ખરેખર દુર્લભ વૃક્ષ છે. તેમણે એક રસપ્રદ વાત જણાવતાં કહ્યું કે, કોઈ પણ વૃક્ષ ૧૦૦ વર્ષની આવરદા પૂરી કરે તો તેના થડનો ઘેરાવો એક મીટર જેટલો વધે. એ ન્યાયે ઓછામાં ઓછી ૫૦૦ વર્ષ અને મહત્તમ ૮૦૦ વર્ષ પણ હોવાની પ્રબળ શક્યતાઓ છે.

              તેઓ વધુમાં કહે છે કે, વર્તમાન યુગમાં માનવીએ સુખ-સુવિધાઓ વધારવા માટે જંગલોના વૃક્ષોનો બેફામ ઉપયોગ કરી રહયો છે. જંગલોનું નિકંદન થઈ રહ્યું છે, ત્યારે આવનારી પેઢીના સુખમય ભવિષ્ય માટે વૃક્ષોનું જતન ખૂબ જ જરૂરી છે. હાલમાં જ કોરોનાના કપરા સમયમાં માનવીને વૃક્ષોનું મૂલ્ય સુપેરે સમજાયું છે. વધુમાં વધુ વૃક્ષો વાવી તેને ઉછેરી આપણાં પાંખા થયેલા જંગલોને ગાઢ બનાવી આપણી ધરતીને લીલીછમ બનાવીએ એ જરૂરી હોવાનું ઋચિ દવે ભારપૂર્વક જણાવે છે.

આ સમાચાર પણ વાંચો :દેશમાં ઓનલાઈન પેમેન્ટ માં આ કંપની અગ્રેસર તો ગ્રાહકોનો ભારત સરકાર સંચાલિત BHIM ઍપને મોળો પ્રતિસાદ. જાણો વિગતે

               બહેડાના અનેકવિધ ઔષધિય ગુણો અંગે ઋચિ દવેએ વિગતો આપતાં કહ્યું કે, વાત, પિત્ત અને કફ ત્રણે દોષો માટે બહેડો ઉત્તમ ઔષધ છે. બહેડાનું તેલ વાળ કાળા કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આંખો માટે ઉપયોગી અને કફયુક્ત રોગો માટે ખૂબ સારા ગુણો બહેડામાં રહેલા છે. નાની બદામ આકારના તેના ફળોને ઔષધિય ચૂર્ણ બનાવીને ગામડાના વૈદરાજો ઉપચાર માટે ઉપયોગમાં લે છે. આ ઉપરાંત, વાળ સફેદ થતા રોકવામાં, કંઠ સંબંધિત રોગોમાં ઉપયોગી છે. લોહીની ઉણપ દૂર કરવા તથા આંખના મોતિયા માટે પણ બહેડો ગુણકારી નિવડે છે. બહેડો પાચક અને વિરેચક છે. આંખ, નાક, વાળ, હૃદય રોગ, ડાયાબિટીસ, ડાયેરીયા, ટાઈફોઈડ, સોજો ઉતારવો, નપુસંકતા અને ચામડી સંબંધિત રોગો સામે અકસીર જડીબુટ્ટી છે.

               આદિવાસી લોકો રવિવાર, મંગળવારે બહેડાના વૃક્ષનું પૂજન કરી પૂર્વ, ઉત્તર દિશામાં મુખ રાખી વૃક્ષના પાન, મૂળની માંગણી કરે છે. ત્યારબાદ પાન, મૂળને લાલ કપડાંમાં વિંટાળીને તિજોરી અથવા ઘરના મંદિરમાં રાખે છે, શ્રદ્ધાપૂર્વક પોતાના આરાધ્ય દેવનું પૂજન કરી ધન્યતા અનુભવે છે. કલ્પવૃક્ષ સમાન આ વૃક્ષની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે એવી આદિવાસી સમાજની આસ્થા પણ જોડાયેલી છે. 

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More