ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
સુરત શહેરમાં વધુ ૦૨ અને જિલ્લામાં ૦૦ કેસ સાથે કુલ ૦૨ નવા કેસ સામે આવ્યાં છે.આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧,૪૪,૧૪૨ થઈ છે. શહેર જિલ્લામાં એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. જ્યારે શહેરમાંથી ૦૬ દર્દીઓ અને જિલ્લામાંથી ૦૧ દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને ૧,૪૧,૯૭૫ થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૫૦ થઈ છે. પાલિકા દ્વારા તમામ લોકોને રસી મળી રહે તે માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યાં છે. આજે પાલિકા દ્વારા રસીકરણના બીજા ડોઝ માટે ૩૧૬ સેન્ટર શરૂ કરાયા છે. આ સાથે જ કોવેક્સિન રસી માટે ૧૧ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જેથી કુલ આજે મેગા વેક્સિનેશન ડ્રાઈવમાં કુલ ૩૨૭ સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.સુરતના વરાછા વિસ્તારમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોધાતાની સાથે તંત્ર એલર્ટ થઈ ગયું છે. હીરાના કામકાજ સાથે સંકળાયેલા વેપારીની આફ્રિકાની મુલાકાત બાદ ઓમિક્રોન સામે આવ્યો છે. જેથી તેના ઘરની આસપાસના વિસ્તારને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યો છે. સાથે જ પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે,આ એક જ કેસ છે. તેમના પરિવારના ટેસ્ટ કરાયા છે. શાળાના પણ કરાયા છે. જાે કે,બીજા કોઈ પોઝિટિવ આવ્યાં નથી. હાલ પાલિકા દ્વારા સંક્રમણને અટકાવવા આજે ૩૨૭ સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ છે. જે રાત સુધી ચાલશે. આરોગ્ય વિભાગના અધિકારી ડો.આશિષ નાયકે જણાવ્યું હતું કે, પ્રથમ ડોઝ માટે ૧૧૨ ટકાની કામગીરી થઇ છે. જ્યારે બીજા ડોઝ માટે ૭૭ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ છે. ૫.૬૦ લાખ લોકો હજુ પણ એવા છે કે જેઓનો બીજાે ડોઝ બાકી છે. ત્યારે તંત્ર દ્વારા આ તમામ લોકો પણ વેક્સિન લઇ લે તે માટે આજે સવારથી જ મેગા વેક્સીનેશન ડ્રાઈવ શરૂ કરાઈ છે. આજે મેગા ડ્રાઈવમાં સવારથી રાતના નવ વાગ્યાથી સુધી વેક્સિનેશન ચાલશે. આ ઉપરાંત લોકો પણ સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ પણ કરવામાં આવી હતી.