ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે ગુરવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે સંબંધિત સાકરના કારખાનાંઓ પર રેડ પાડીને ખળભળાટ મચાવી દીધો હતો. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ અને દિગ્ગજ નેતા શરદ પવારે અને રાજકીય કિન્નાખોરી ગણાવી હતી, તો અજિત પવારે મહેમાનોને જવા દો પછી જવાબ આપશું કહીને કેન્દ્રીય સરકારના આવા બદલાભર્યા રાજકારણની ટીકા કરી હતી.
ગુરુવારે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે સાકરના કારખાનાના સંચાલકોના ઘરે સવારના રેડ પાડી હતી. પાંચ સાકરનાં કારખાનાંઓ પર રેડ પાડી હતી. એ સિવાય અજિત પવારના પુત્ર પાર્થની નરીમન પૉઇન્ટની ઑફિસ સહિત બહેન વિજયા પાટીલના મુક્તા પબ્લિકેશન હાઉસ પર પણ રેડ પાડવામાં આવી હતી. રાજ્યમાં જુદા જુદા વિસ્તારમાં આવેલાં પાંચ સાકરનાં કારખાનાં પર એકસાથે રેડ પાડવામાં આવી હતી. એ તમામ લોકો અજિત પવારનાઅત્યંત નિકટના મનાય છે.
આ રેડ બાબતે અજિત પવારે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે મારી સાથે સંબંધ ધરાવતા લોકો પર કે કારખાના પર રેડ પાડી તેનું મને દુ:ખ નથી, પણ મારી બહેનને ખોટી રીતે હેરાન કરવામાં આવી છે. તેની સાથે ફક્ત લોહીનો સંબંધ હોવાથી તેની સામે ઇન્કમ ટૅક્સે રેડ પાડી છે.
આ શનિવાર મુંબઈમાં પિંક સેટરડે, વેક્સિનેશન માટે આ નવી યોજના
દિગ્ગજ નેતા શરદ પવારે પણ આ પૂરા પ્રકરણને રાજકીય કિન્નાખોરી ગણાવી હતી. મહારાષ્ટ્રમાં જિલ્લા પરિષદની ચૂંટણીના નિકાલ આ લોકો પચાવી શક્યા નથી એવી નારાજગી પણ વ્ચક્ત કરી હતી.
આ દરમિયાન ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુરુવારે જુદી જુદી જગ્યામાં પાડવામાં આવેલી રેડ બાદ એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે બિઝનેસમેન અને મિડલમેનોની આખી સિન્ડિકેટ છે, તેમના પર તેઓ છેલ્લા 6 મહિનાથી નજર રાખી રહ્યા હતા ત્યાર બાદ 25 રહેણાક અને 15 ઑફિસ પ્રિમાઇસિસમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. અમુક મિડલમેનોએ મુંબઈમાં આવેલી ફાઇવસ્ટાર હૉટેલમાં અમુક લોકોએ કાયમી સ્તરે રૂમ બુક કરી રાખેલી છે. સર્ચ ઑપરેશન દરમિયાન લગભગ 1,050 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેકશનને લઈને માહિતી મળી છે. આ મિડલમેનો સામે સર્ચ ઑપરેશન દરમિયાન અમુક પુરાવા હાથ લાગ્યા હતા. આ લોકો સરકારી જમીનને જુદી જુદી સ્કીમ હેઠળ કેવી રીતે મેળવવી, ટેન્ડર અને માઈનિંગના કૉન્ટ્રૅક્ટ કેવી રીતે લેવા એવાં જુદાં જુદાં કામ કરતા હતા. આ મિડલમેનોના મોબાઇલમાં વ્હૉટ્સઍપ ચેટ પરથી કૅશ ટ્રાન્ઝેક્શનની અમુક માહિતી પણ મળી છે.