ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
બૉલિવુડના બાદશાહ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ કરેલી ધરપકડને સૌ કોઈ વખાણી રહ્યા છે. બૉલિવુડમાં રહેલા ડ્રગ કૌભાંડનો NCBએ પર્દાફાશ કર્યો છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન રહેલા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ (NCP)ના નેતા નવાબ મલિકે આ કામગીરીને વખાણવી જોઈએ, એના બદલે તેમણે NCBની કાર્યવાહી સામે જ આંગળી ચીંધી છે. ડ્રગ્સ પ્રકરણે ક્રૂઝ પરથી કરવામાં આવેલી ધરપકડનો જ નવાબ મલિકે વિરોધ કર્યો છે. અગાઉ મહારાષ્ટ્રમાં બિયર બાર ઉપર પ્રતિબંધ મૂકવાનો વિરોધ પણ નવાબ મલિક કરી ચૂક્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ પ્રકરણમાં કરવામાં આવેલી ધરપકડનો વિરોધ કરનારા નવાબ મલિકના જમાઈ સમીર ખાનની ડ્રગ્સ લેવાના પ્રકરણમાં NCB પહેલાં જ ધરપકડ કરી ચૂકી છે, ત્યારથી જ નવાબ મલિક NCB વિરુદ્ધ પોતાનો મોરચો ખોલી બેઠા હોવાનું માનવામાં આવે છે.