ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર 2021
ગુરુવાર.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે કરવામાં આવેલા આરોપ અને તેમની ધરપકડ એ ભાજપનું કાવતરું હોવાનો ચોંકાવાનો આરોપ રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવક્તા અને લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે કર્યો છે. નાર્કોર્ટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈના અધિકારી સમીર વાનખેડે સામે સતત આરોપ કરનારા નવાબ મલિકે ગુરુવારે એક પત્રકાર પરિષદ લીધી હતી. જેમાં તેમણે અનિલ દેશમુખને ખોટી રીતે ફસાવવમાં આવ્યા છે. ભાજપના અમુક લોકો તે માટે આગળ આવ્યા હોવાનો આરોપ કર્યો હતો. આજે નહીં તો કાલે સચ્ચાઈ બહાર આવશે એવો દાવો પણ તેમણે કર્યો હતો. અનિલ દેશમુખનો બચાવ કરતા નવાબ મલિકે કહ્યું હતું કે સચિન વાઝે અને પરમબીર સિંહે મુંબઈમાં ખંડણીનો ધંધો ચાલુ કર્યો હતો. એન્ટેલિયા સામે બોમ્બ મુકવાનું કાવતરુ પણ તેમનું જ હતું. સરકારને અંધારામાં મૂકીને આ કાવતરા રચવામાં આવ્યા હતા.વિધાનસભામાં ગૃહ પ્રધાન અને મુખ્યપ્રધાનને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનો આરોપ પણ નવાબ મલિકે કર્યો હતો. પૂરું પ્રકરણ બહાર આવતા પરમબીરની બદલી કરવામાં આવી હતી. આ પ્રકરણ આગળ વધશે એવું જણાવતા ભાજપના મદદથી અનિલ દેશમુખ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. પરમબીરની ફરિયાદ બાદ અમુક લોકોએ સીબીઆઈ મારફત એફઆઈઆર કરાવી હતી અને ત્યારબાદ અનિલ દેશમુખને ફસાવવાનો પ્રયાસ ચાલુ કરવામાં આવ્યો હોવાનો આરોપ પણ નવાબ મલિકે કર્યો છે.