ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021
બુધવાર
જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યા બાદ ધીરે ધીરે અનેક ઐતિહાસિક પરિવર્તન આવી રહ્યા છે. આતંકી ઘટનાઓમાં ઘટાડાની સાથે હવે અહીં વર્ષોથી બંધ પડેલા હિંદુ મંદિરો પણ ફરી ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

શ્રીનગરમાં ખંડેર ઐતિહાસિક શીતલનાથ મંદિર 26 વર્ષ પછી ખોલવામાં આવ્યું. તેની શરૂઆત કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે કરી હતી. તેઓ મંગળવારે જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે કાશ્મીર પહોંચ્યા હતા. ત્યાં તેમણે 700 વર્ષ જૂના શીતલનાથ મંદિર વિશે પૂછપરછ કરી હતી.

તેમને કહેવામાં આવ્યું હતું કે 1995માં ચરારે શરીફની દરગાહમાં અગ્નિકાંડ બાદ કાશ્મીરી અલગાવવાદીઓ અને આતંકવાદીઓએ હુમલો કરીને કાશ્મીર ખીણમાં સેંકડો મંદિરોનો નાશ કર્યો હતો. તેમાંથી ઘણા મંદિરો બળી ગયા હતા. શીતલનાથ મંદિર તે મંદિરોમાંનું એક હતું જે ક્ષતિગ્રસ્ત થયું હતું.

અધિકારીઓએ તેમને જણાવ્યું કે આ ઘટના પછીથી મંદિર બંધ પડ્યું છે. આના પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે ઐતિહાસિક શીતલનાથ મંદિર ફરીથી ખોલવાની વિનંતી કરી અને ત્યાં ભગવાન શિવનો અભિષેક કર્યો. પૂજા અર્ચનાની પહેલા સ્થાનીય પ્રશાસને આ શિવ મંદિરની સાફ સફાઈ કરાવી. ત્યારબાદ મંત્રી મંદિરમાં ગયા અને ભગવાન શિવને જોયા બાદ તેમને જળ અર્પણ કર્યું.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના હજારો વર્ષના ઈતિહાસમાં ચિત્રિત કરવા માટે ઋષિ કલ્હાણે 1148-49માં રાજતરંગિણીની રચના કરી હતી. આ કાવ્ય રચનામાં શીતલનાથ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંદિર કાશ્મીરના સેંકડો વર્ષ જૂના મંદિરમાંથી એક છે.